મોદી સરનેમ માનહાનિ કેસમાં ‘સુપ્રીમ’ સુનાવણી

નવી દિલ્હીઃ મોદી સરનેમ કેસ મામલામાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. માનહાનિ મામલામાં દોષસિદ્ધિ પર સ્ટે લગાવવાના ઇનકારના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે પૂર્ણેશ મોદીને નોટિસ જારી કરી છે, જેના પર તેમણે 10 દિવસમાં જવાબ આપનવો પડશે. આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટ, 2023એ થશે.

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત સરકાર અને અન્યને નોટિસ જારી કરી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને પ્રશાંતકુમાર મિશ્રાની ખંડપીઠે સુનાવણી કરી હતી. ભૂતપૂર્વ અધ્યક્ષે 15 જુલાઈએ મામલાની ત્વરિત સુનાવણીની અરજી કરી હતી. કોર્ટે 18 જુલાઈએ અરજીનો સ્વીકાર કર્યો હતો. એ પહેલાં રાહુલ પર કેસ કરવાવાળા ભાજપના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીને પણ કેવિયેટ દાખલ કરવાની અપીલ કરી હતી. તેમને સાંભળ્યા વગર કેસમાં ચુકાદો ના અપાય. રાહુલ ગાંધી તરફથી સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંધવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા.

રાહત નહીં મળે તો ચૂંટણી નહીં લડી શકે ગાંધી

માનહાનિ કેસમાં 23 માર્ચ, 2023એ સુરતની સેશન કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સંભળાવી હતી. આ ચુકાદા પછી રાહુલનું સાંસદ પદ જતું રહ્યું હતું. રાહુલ ગાંધી આ ચુકાદાની વિરુદ્ધ હાઇકોર્ટમાં ગયા હતા., પરંતુ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા હતા અને સ્ટે આપવાથી ઇનકાર કર્યો હતો. જો રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નહીં મળે તો તેઓ 2031 સુધી કોઈ ચૂંટણી નહીં લડી શકે.