હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે. નોટબંધી ઐતિહાસિક ભૂલ હતી. આના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.
ચિદમ્બરમે કહ્યું કે, નોટબંધીના કારણે રોજગાર ખતમ થઈ ગયા છે. નોકરીઓ જતી રહી છે, ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે. માઈક્રો મીડિયમ ઈન્ડસ્ટ્રી પણ બરબાદ થઈ ગઈ છે. આ સરકારની બીજી સૌથી મોટી ભૂલ જીએસટી હતી. સિંગલ ટેક્સનો વિચાર ખૂબ સારો છે. પરંતુ જીએસટી સિંગલ ટેક્સ નથી. આના માટે અપનાવવામાં આવેલી પદ્ધતી યોગ્ય નથી.
આ સૌથી મોટી ગરીબ વિરોધી સરકાર છે. અત્યારે ફેક્ટરી માત્ર 70 ટકા કામ કરી શકે છે. પ્લાન્ટ લોડ ફેક્ટર માત્ર 45 ટકા છે. ચિદમ્બરમે કહ્યું કે, એવા કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી, કે જેનાથી ખ્યાલ આવી શકે કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે. ચિદમ્બરમે પ્રશ્ન કર્યો કે, શા માટે નાણામંત્રી અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ પર એક શબ્દ નથી બોલી રહ્યા. ફોરેન રિઝર્વ સતત નીચે આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ શાં માટે આ તથ્યને સ્વિકારવાનો ઈનકાર કરી રહી છે.