મતદાન પછીની વ્યૂહરચના માટે ઇન્ડિયા બ્લોકની બેઠક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કા સાથે દેશમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે. એ સાથે ચોથી જૂને ચૂંટણી પરિણામો જાહેર થવાનાં છે, પણ ત્યાં સુધી વિરોધ પક્ષોના ઇન્ડિયા બ્લોકના ઘટક દળોના નેતાઓ ચૂંટણીમાં પોતાના ચૂંટણી દેખાવની સમીક્ષા કરવા અને આગળના દિવસોની ચૂંટણીની વ્યૂહરચના બનાવવા માટે આજે એક બેઠક કરવાના છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ભાગ લેશે. તેઓ બીજી જૂને સરન્ડર કરવાના છે. સપાસુપ્રીમો અખિલેશ યાદવ પણ આ બેઠકમાં ભાગ લેશે.

કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે થનારી આ મહત્ત્વની બેઠકમાં કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન અને આપ સાંસદ સંજય સિંહ સામેલ થશે. પંજાબમાં મતદાન પ્રક્રિયાની જવાબદારી સંભાળ્યા પછી CM માન દિલ્હી પહોંચશે. જોકે આ બેઠકમાં TMC ભાગ નહીં લે. તેમના સિવાય તામિલનાડુના CM સ્ટાલિન પણ આ બેઠકમાં ભાગ નહીં લઈ શકે અને તેમની જગ્યાએ TR બાલુ બેઠકમાં ભાગ લેશે.

આ બેઠકમાં વિપક્ષી નેતાઓ ચૂંટણી પરિણામો પહેલાંની વ્યૂહરચના પર વિચારવિમર્શ કરશે અને સાત તબક્કામાં ચૂંટણીમાં તેમના પ્રદર્શનનું પણ આકલન કરશે.  વિપક્ષનો દાવો છે કે તેઓ ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનને કેન્દ્રમાં સત્તામાં આવતાં રોકવામાં અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહેશે. ઇન્ડિયા ગઠબંધન બન્યા પછી કુલ 28 પક્ષો જોડાયેલા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાતમા તબક્કાના મતદાન પહેલાં વિપક્ષી ગઠબંધનની જીતની સ્થિતિમાં વડા પ્રધાન કોણ બનશે? એના જવાબમાં તેમણે રાહુલ ગાંધીને PM પદના દાવેદાર હોવાના સંકેત આપ્યા હતા.