શ્રીલંકા માટે સંકટમોચક બન્યું ભારત

કોલંબોઃ શ્રીલંકા મોટા આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારત એની વહારે આવ્યું છે. ભારતે રવિવારે શ્રીલંકાને રૂ. બે અબજથી વધુના મૂલ્યની માનવીય સહાય મોકલી આપી છે. કોલંબોમાં ભારતીય ઉચ્ચાયુક્ત ગોપાલ બાગલેએ શ્રીલંકાની સરકારના વિદેશપ્રધાન પ્રો. જીએ. એલ પીરિસને રૂ. બે અબજના ચોખા, દૂધ પાઉડર અને દવાઓ સહિતની ચીજવસ્તુઓ સોંપી છે. સંકટગ્રસ્ત દેશના નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પણ એક ટ્વીટમાં આ મહત્ત્વની મદદ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું હતું કે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને ભારતના લોકો પ્રત્યે આ સહયોગ માટે હ્દયથી આભારી છીએ. હું શ્રીલંકામાં ભારતીય ઉચ્ચાયુક્તથી મળેલી મદદ માટે આભાર વ્યક્ત કરું છું.

તામિલનાડુના મુખ્ય પ્રધાને ચેન્નઈ પોર્ટ પરથી 40,000 મેટ્રિક ટન ચોખા, 500 મેટ્રિક ટન દૂધનો પાઉડર અને દવાઓ મોકલી આપી છે. ભારત તરફથી મળેલી સહાયને શ્રીલંકાની સરકાર દ્વારા ઉત્તર, પૂર્વ, મધ્ય અને પશ્ચિમી પ્રાંતો સહિત દેશના લાભાર્થીઓમાં વિતરિત કરવામાં આવશે. સમાજના વિવિધ વર્ગોના લાભાર્થીઓને આ સહાય પહોંચાડવામાં આવશે.

ભારતની કેટલીય ખાનગી અને સામાજિક સંસ્થાઓએ વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે શ્રીલંકાને મદદ મોકલી છે.

ભારત સરકાર દ્વારા શ્રીલંકાને જાન્યુઆરીથી મોકલવામાં આવેલી મદદ આશરે 3.5 અબજ અમેરિકી ડોલર જેટલી થવા જાય છે. આ સિવાય ભારત દ્વારા શ્રીલંકાને દવાઓ અને સૂકા કરિયાણાની મદદ પહોંચાડવામાં આવી છે, એમ ભારતીય ઉચ્ચાયુક્તે જણાવ્યું હતું.