રાજ્યમાં ચોમાસું સામાન્યઃ બુધવારથી વરસાદની આગાહી

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોના આકાશમાં વાદળો છવાયેલાં જોવા મળ્યાં છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર-હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે હવે વરસાદની આગાહી કરતા લોકોને હાશકારો થયો છે. હાલ રાજ્યમાં ક્યાંય હીટ વેવની કોઈ આગાહી નથી. દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ, રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સુનની એક્ટિવિટી શરૂ થશે.

હવામાનની આગાહી કરતી સંસ્થા સ્કાયમેટે કેરળમાં 26 મેથી ચોમાસું બેસવાની  આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થાય એવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળમાં 27મી મેથી પહેલી જૂન વચ્ચે નૈર્ઋત્યના ચોમાસાનું આગમન થશે. કેરળમાં વરસાદના આગમન બાદ સામાન્ય રીતે 15-20 દિવસમાં રાજ્યમાં પણ વરસાદનું આગમન થતું હોય છે. આ વર્ષે પણ દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થતું હોય છે. દક્ષિણમાં વરસાદના આગમન બાદ ચારથી પાંચ દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડતો હોય છે.