રાજ્ય સહિત દેશમાં ગરમી કાળો કહેર વરતાવી રહી છે. ત્યારે લોકોને ઘરની બહાર જવાનું ટાળવાની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી રહી છે. દેશના મોટાભાગના ભાગોમાં આકરી ગરમીને કારણે ગત 22 મેના રોજ બુધવારે વીજળીની મહત્તમ માંગ 235.06 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. જે આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ માંગ છે. વીજળીની આ માગમાં વધારો થવાનું મુખ્ય કારણ અતિશય ગરમી છે. તાપમાનનો પારો વધવાથી એર કંડિશનર/કૂલરનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે વીજળીનો વપરાશ પણ વધ્યો છે.
વધતી ગરમીને લઈ લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે. અને ઘરે રહી મનોરંજન માટે એસી કે કુલર કે પંખા નીચે ટીવી જોવાનું પસંદ કરતા હોય છે. વીજ મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે વીજળીની મહત્તમ માંગ અથવા દિવસ દરમિયાન સૌથી વધુ પુરવઠો 235.06 ગીગાવોટ નોંધાયો હતો. આ વર્ષે ઉનાળાની સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ માંગ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, 2023માં આ માગ 243.27 ગીગા વોટ હતી. જે ત્યાર સુઘી સૌથી મહત્મ માગ હતી.
ગુજરાતમાં ગરમી પાછલા સાત વર્ષના રેકોર્ડ તોડ્યા છે. આ મહિનાની શરૂઆતમાં, વીજ મંત્રાલયે મે મહિનામાં મહત્તમ વીજ માંગ દિવસ દરમિયાન 235 ગીગાવોટ અને સાંજે 225 ગીગાવોટ અને જૂન માટે દિવસ દરમિયાન 240 ગીગાવોટ અને સાંજે 235 ગીગાવોટ રહેવાનો અંદાજ મૂક્યો હતો. નોંધનીય છે કે ઉર્જા મંત્રાલયે અનુમાન લગાવ્યું હતું કે ઉનાળામાં વીજળીની મહત્તમ માંગ 260 ગીગાવોટ સુધી પહોંચશે.