પ્રતિ વર્ષ 7.5 ટકાના દરે વધતું અંગ્રેજી શીખવાનું બજાર

નવી દિલ્હીઃ વિશ્વમાં અંગ્રેજી (ELT) શીખવાનું બજાર ઝડપથી વધી રહ્યું છે. વર્ષ 2022માં આ બજારનું કદ આશરે 72.5 અબજ ડોલર હતું, જે 2030 સુધી વધીને 129.3 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. વર્ષ 2023થી 2030 સુધી પ્રતિ વર્ષ આશરે 7.5 ટકાના દરે (CAGR)થી વધવાનો અંદાજ છે.

વિશ્વમાં અંગ્રેજી શીખવાની માગ વધી રહી છે. લોકો વિવિધ પ્રકારે અંગ્રેજી શીખી રહ્યા છે, પરંતુ ડિજિટલ લર્નિંગ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે, કેમ કે લોકો મોબાઇલ એપ, ઓનલાઇન કોર્સિસ અને વિડિયો દ્વારા સરળતાથી અંગ્રેજી શીખી શકે છે.

ઇંગ્લિશ લેંગવેજ ટ્રેનિંગ (ELT) પ્રોગ્રામ એ લોકો માટે બનાવવામાં આવ્યો છે, જેમણે પહેલાં ક્યારેય અંગ્રેજી નથી બોલી. આ પ્રોગ્રામમાં લોકો ભાષા અને સંવાદની પાયાની વાત શીખે છે. અંગ્રેજી સિવાય ઇટાલવી, ફ્રેંચ, સ્પેનિશ અને મંદારિન જેવી અન્ય ભાષાઓ શીખવાની તક મળે છે. વળી, અંગ્રેજી શીખવાવાળાઓમાં વયસ્કોની સંખ્યા સૌથી વધુ છે. તેઓ કેરિયરને આગળ વધારવા માટે કે વિદેશમાં નોકરી મેળવવા અંગ્રેજી શીખી રહ્યા છે. અંગ્રેજી ભાષાની તાલીમની સૌથી વધુ માગ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં છે. વળી, અહીંની મોટી વસતિ અને વધતું અર્થતંત્ર આ બજારને આગળ વધારી રહ્યું છે.

વર્ષ 2021માં વિશ્વમાં આશરે 1.35 અબજ લોકો અંગ્રેજી બોલતા હતા. વિશ્વની કુલ વસતિ આશરે 7.8 અબજ છે, એમાંથી 36 કરોડ લોકો એવા છે, જેમની મૂળ ભાષા અંગ્રેજી છે.

યુરોપમાં આશરે 21.2 કરોડ અંગ્રેજી બોલે છે. ભારતમાં એ આંકડો આશરે 26.5 કરોડ છે. અમેરિકામાં આશરે 35 કરોડ લોકો અંગ્રેજી બોલે છે. કેનેડામાં આશરે ત્રણ કરોડ લોકો અંગ્રેજી બોલે છે.