કર્મચારીઓ માટે સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં વધારો, ટેક્સ સ્લેબમાં ફેરફાર

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને ઇન્કમ ટેક્સની પ્રક્રિયા સરળ બનાવી છે. તેમણે કહ્યું હતું કે બે તૃતીયાંશ લોકોએ નવી કરવ્યવસ્થા પસંદ કરી છે.  નાણાપ્રધાને મધ્યમ વર્ગ માટે નવી કરવ્યવસ્થામાં ફેરફારની ઘોષણા કરી છે. નાણાપ્રધાને સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

નાણાપ્રધાને ઇન્કમ ટેક્સને મામલે ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો છે. વાર્ષિક રૂ. ત્રણ લાખથી રૂ. સાત લાખની કમાણી પર રૂ. પાંચ ટકા ટેક્સ લાગશે. આ સાથે રૂ. સાત લાખથી રૂ. 10 લાખની કમાણી પર 10 ટકા ટેક્સ લાગશે. રૂ. 10થી 12 લાખ પર 15 ટકા ટેક્સ લાગશે. રૂ. 12થી 15 લાખની આવક પર 20 ટકા અને રૂ. 15 લાખથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. જોકે સરકારે ઇન્કમ ટેક્સની જૂની કરવ્યવસ્થા અપનાવનારાઓને ટેક્સમાં કોઈ રાહત આપવામાં નથી આવી, જ્યારે નવી કરવ્યવસ્થા હેઠળ પગારદાર કર્મચારીઓને ઇન્કમ ટેક્સમાં રૂ. 17,500 સુધીની બચત થશે.

આ સિવાય સરકારે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટીને ઘટાડીને છ ટકા અને પ્લેટિનિયમ પર 6.5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે આગામી છ મહિનામાં કસ્ટમ ડ્યુટીના માળખાની બારીકીથી સમીક્ષા કરવામાં આવશે. આ સાથે હવેથી TDS ભરવામાં વિલંબ થાય તો તે ગુનો ગણાશે નહીં. એ સાથે સાથે ઈ-કોમર્સ પર TDSનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા  કરવામાં આવ્યો છે.