આ ગાળો મારી માતાનું નહીં, દરેક માતાનું અપમાનઃ PM મોદી

નવી દિલ્હીઃ બિહાર ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દરભંગામાં અપશબ્દ કહેવામાં આવ્યા હતા. હવે મંગળવારે PM મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે જે ગાળો તેમની માતાને આપવામાં આવી છે, એ હકીકતમાં દેશની દરેક માતાનું અપમાન છે. આ બધું બોલતા સમયે PM મોદી બહુ ભાવુક થયા હતા. તેમની આંખો ભીની દેખાઈ રહી હતી. PM મોદીએ એટલું પણ કહ્યું કે તેમની માતાએ ઘણી ગરીબીમાં તેમને ઉછેર્યા છે, અનેક બલિદાન આપ્યાં છે.

તેમણે કહ્યું હતું કે અમારી સરકાર માટે માતાની ગરિમા, તેનું સન્માન, તેનો સ્વાભિમાન બહુ મોટી પ્રાથમિકતા છે। માતા જ તો આપણો સંસાર છે, માતા જ આપણું સ્વાભિમાન છે. ત્યાર બાદ પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે મને આ જોઈને ખુશી થાય છે કે જીવિકા નિધિની વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ છે. હું બિહારની માતાઓ-બહેનોને ખૂબ અભિનંદન આપું છું અને આ અદભુત પહેલ માટે હું નીતીશકુમાર અને બિહારની NDA સરકારનું પણ અભિનંદન કરું છું.

PM મોદીએ કહ્યું હતું કે બિહારમાં થોડા દિવસો પહેલાં જે થયું, એની મેં કલ્પના પણ કરી ન હતી. બિહારમાં RJD-કોંગ્રેસના મંચ પરથી મારી માતાને ગાળીઓ આપવામાં આવી. આ ગાળીઓ માત્ર મારી માતાનું અપમાન નથી-આ દેશની માતા-બહેન-બેટીનું અપમાન છે. મને ખબર છે કે આ જોઈને અને સાંભળી તમને પણ કેટલું ખરાબ લાગ્યું છે.

તેમણે કહ્યું હતું કે મને ખબર છે કે જેટલી પીડા મારા દિલમાં છે, એટલી જ તકલીફ મારા બિહારના લોકોને પણ છે, તેથી આજે જ્યારે બિહારની લાખો માતાઓ-બહેનોના દર્શન હું કરી રહ્યો છું તો આજે મારું મન થાય છે કે હું મારું દુઃખ આપ સૌ સાથે વહેંચું. જેથી માતાઓ-બહેનોના આશીર્વાદથી હું આ સહન કરી શકું.