નવી દિલ્હી: દેશમાં પૂરઝડપે વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને ભારતીય વિજ્ઞાન સંસ્થાન(આઈઆઈએસસી) એ એક અનુમાન લગાવ્યું છે. આ અનુમાન સારી અને ખરાબ સ્થિતિને આધારે આંકવામાં આવ્યું છે. જેમાં સૌથી સારી સ્થિતિમાં માર્ચ 2021 સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 37.4 લાખ સુધી પહોંચશે. જ્યારે સૌથી ખરાબ સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન 6.18 કરોડ લોકો સંક્રમિત થઈ જશે.
આઈઆઈએસસી મોડેલ ચેપી રોગોના ગાણિતિક મોડેલિંગમાં એક દાખલો છે અને આ દેશમાં કોવિડ-19 ડેટા અને આ વર્ષે 23 માર્ચથી 18 જૂન વચ્ચે નોંધાયેલા કેસો પર આધારિત છે. જોકે, દેશમાં વર્તમાન કોવિડ-19 સ્થિતિને ધ્યાનમાં રાખતા આ અનુમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના છે.
આ મોડેલની સૌથી ખરાબ પરિસ્થિતિનો અંદાજ માર્ચ 2021ના અંત સુધીમાં ભારતમાં કોવિડ-19 ચરમ પર નહીં પહોંચે તેવી સંભાવના છે. તો સૌથી સારી પરિસ્થિતિના અનુમાનમાં ભારતમાં કોવિડ-19 સપ્ટેમ્બર ના બીજા સપ્તાહ અથવા ઓક્ટોબર સુધીમાં ચરમ પર પહોંચી શકે છે.
નવા સંક્રમણના દરમાં ઘટાડો કરવા માટે આ મોડલમાં દર સપ્તાહે એક કે બે દિવસ સુધી લોકડાઉન પર ભાર મૂક્યો છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, દર સપ્તાહે એક કે બે દિવસ લોકડાઉન અને લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાથી સંક્રમણમાં ઘણા અંશે ઘટાડો થઈ શકે છે.
આ મોડલમાં ભારતમાં કોવિડ-19 રિકવરી દરમાં સતત સુધારાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે અને યોગ્ય આરોગ્ય સંભાળ અને સમય પર ક્વોરન્ટીન સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે, વેક્સીન ન હોવાને કારણે સંક્રમણને ફેલાતું રોકવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્વોરન્ટીન અને સોશિયલ ડિસ્ટન્સિંગ બેસ્ટ વિકલ્પ છે.
તો કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 32,695 નવા કેસો સામે આવ્યા છે અને 606 લોકોના મોત થયા છે. ત્યારપછી દેશભરમાં કોરોના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 9,68,876 થઈ ગઈ છે. જેમાંથી 3,31,146 એક્ટિવ કેસ છે, 6,12,815 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 24,915 લોકોના મોત થઈ ચૂક્યા છે.