મધ્ય પ્રદેશઃ પક્ષ વિચિત્ર સ્થિતિમાં હોવાનો કોંગ્રેસનો દાવો

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમસાણ વચ્ચે કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં કોંગ્રેસ દ્વારા તેમના વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે આજે અમે એક વિચિત્ર સ્થિતિમાં છીએ. રાજ્યની જનતાએ કોંગ્રેસને 114 સીટો આપી અને ભાજપને 109 બેઠકો આપી. કોંગ્રેસે એ વખતે જ સૌથી મોટા પક્ષ તરીકે વિશ્વાસ મત જીત્યો હતો. પાછલા 18 મહિનાથી બહુ સ્થિર સરકાર કામ કરી રહી હતી. વિધાનસભ્યોના અધ્યક્ષે જોવું પડશે કે રાજીનામાં આપ્યાં છે, એ સ્વૌચ્છિક છે કે નહીં? વિધાનસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું, બીજી બાજુ રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો જે આદેશ આપ્યો છે એ ગેરબંધારણીય છે.  

 

આ ફ્લોર ટેસ્ટ સાધારણ નહીં

કોર્ટમાં દુષ્યંત દવેએ કહ્યું હતું કે આ સાધારણ ફ્લોર ટેસ્ટનો સવાલ નથી, બલકે બાહુબળ અને ધનશક્તિનો ઉપયોગ કરીને લોકતંત્રને નષ્ટ કરવાનો સવાલ છે. આજે સવારે દિગ્વિજય સિંહને અટકાયત લેવામાં આવ્યા હતા. ભાજપ એક જવાબદાર પાર્ટી છે અને સત્તામાં છે. હાલ વિશ્વઆખું કોરોના વાઇરસના સંકટનો સામનો કરી રહ્યો છે, ત્યારે ભાજપ એમ ઇચ્છે છે કે કોર્ટ મધ્ય પ્રદેશ મામલે સુનાવણી કરે? શું આવામાં બહુમત પરીક્ષણ જરૂરી છે?

શું ગવર્નર પાસે આદેશ આપવાનો હક ખરો?

કોંગ્રેસે હવે ગવર્નર પર સવાલ ઊભો કરતાં તેમના પત્રનો હવાલો આપીને કહ્યું કે ગવર્નર કેવી રીતે કહી શકે કે અમારી પાસે બહુમત નથી, જ્યારે બહુમત પરીક્ષણ થયું નથી. કોઈ પણ વિશ્વાસ મત માત્ર 16 વિધાનસભ્યોની ઉપસ્થિતિમાં જ થવો જોઈએ. દવેએ કહ્યું હતું કે સ્પીકર વિધાનસભાના માસ્ટર છે, તો ગવર્નર સ્પીકરને ચાતરી કેમ રહ્યા છે. દવેએ કહ્યું હતું કે એક રાજ્યપાલ બહુમત કરાવવા આદેશ કેમ આપી શકે?  કે જ્યારે 16 બળવાખોર વિધાનસભ્યો બેન્ગલોરમાં છે.