લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં દિગ્ગજોની શાખ દાવ પર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી હેઠળ છેલ્લા તબક્કામાં 380 સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. પાંચમા તબક્કામાં 49 સીટો પર મતદાન આવતી કાલે થવાનું છે.  જેનો ચૂંટણીપ્રચાર આજે થંભી જશે. પાંચમા તબક્કામાં કેટલીક હાઇ પ્રોફાઇલ સીટો છે. પાંચમા તબક્કામાં બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, મહારાષ્ટ્રની 13, ઓડિશાની પાંચ, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિંમ બંગાળની સાત અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક સીટ પર મતદાન થવાનું છે.

પાંચમા તબક્કામાં 49 સીટો પર 695 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 613 પુરુષ અને 82 મહિલા ઉમેદવારો સામેલ છે. પાંચમા તબક્કામાં આઠ રાજ્યોની 49 સીટો પર મતદાન થવાનું છે. 2019ની ચૂંટણીમાં આ 49 સીટોમાંથી ભાજપે 40 સીટો પર લડીને 32 સીટો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર એક સીટ જીતી શકી હતી.

આ સિવાય JDU એક, LJP એક, શિવસેના સાત, અને TMC ચાર સીટો જીતી હતી. ભાજપના નેતૃત્વ હેઠળ NDA 41 સીટો જીતવામાં સફળ રહ્યું હતું, જ્યારે UPA માત્ર બે સીટ અને અન્યને ભાગે પાંચ સીટો મળી હતી. પાંચમા તબક્કામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી, સ્મૃતિ ઇરાની અમેઠીથી બીજી વાર, પીયૂષ ગોયલ, બિહારની સારણ સીટ પરથી લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય, મહારાષ્ટ્રમાં કલ્યાણ સીટ પરથી CM એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે અને બિહારના જમુઈથી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાના પુત્ર ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં છે.