નવી દિલ્હીઃ સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ દ્વારા ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાને દિવસે બિભવે સ્વાતિ માલીવાલને સાતથી આઠ વાર થપ્પડ મારી હતી. તેના પર કાવતરાના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં અત્યાર સુધી બિભવકુમારને કોઈ રાહત નથી મળી, તેની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલાં કોર્ટે કહ્યું હતું કે બિભવને સત્તાનો નશો ચઢી ગયો હતો અને તેને આ બધું કરતાં કોઈ શરમ નથી આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે CM કેજરીવાલના નિવાસસ્થાને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેને થપ્પડ મારવામાં આવ્યા હતા. તેને ધક્કા મારવામાં આવ્યા હતા અને ગાળો આપવામાં આવી હતી. એ કેસમાં CM કેજરીવાલે પહેલેથી જ મૌન ધારણ કરી રાખ્યું છે, પણ પછીથી કાર્યવાહીની વાત કહી હતી. બીજી તરફ આપ પાર્ટીએ સ્વાતિ માલવાલને જ કઠેડામાં ઊભી કરી દીધી હતી.
આ પૂરા વિવાદમાં એક સવાલ અધૂરો રહે છે કે આખરે સ્વાતિ માલીવાલ 13 મેએ અચાનક CM કેજરીવાલને મળવા કેમ આવી હતી? તેણે જે ફરિયાદ પણ નોંધાવી હતી, એમાં પણ તેણે એ મુલાકાતના કારણને લઈને કંઈ જણાવ્યું નથી. આવામાં કોઈના ઉશ્કેરવાથી હુમલો થયો કે બિભવે ઉશ્કેરાટમાં આવીને મારપીટ કરી- એ વાતની કોઈ સ્પષ્ટતા થઈ નથી શકી.