ત્રણ રાજ્યોમાં 12 બેઠકો પર MLC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું

નવી દિલ્હી: SIRના વિરોધમાં જ્યાં કોંગ્રેસ સત્તારૂઢ NDA પર આક્રમક બની રહી છે, ત્યાં બીજી તરફ બેલેટ પેપરથી યોજાયેલી ચાર રાજ્યોની MLC ચૂંટણીમાં પાર્ટીનું ખાતું પણ ખૂલી શક્યું નથી. ચાર રાજ્યોમાં વિધાન પરિષદની કુલ 28 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી. પરંતુ ખાસ વાત એ છે કે કોંગ્રેસને ક્યાંય સફળતા મળી નથી.

કોંગ્રેસે 12 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી અગાઉની ચૂંટણીમાં તેને ચાર બેઠકો પર જીત મળી હતી. જોકે આ વખતે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીને ખાલી હાથે રહેવું પડ્યું છે. કોંગ્રેસને સૌથી મોટો આંચકો કર્ણાટકમાં લાગ્યો છે, જ્યાં સત્તામાં હોવા છતાં પાર્ટીને એક પણ બેઠક મળી નથી.

કર્ણાટક: કુલ 4, ચૂંટણી લડી 4, જીત 0

મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમાર અને પ્રદેશાધ્યક્ષ બી.કે. હરિપ્રસાદની જોડીએ પોતાની પ્રથમ ચૂંટણીની કસોટીમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. આ ચાર બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસ પાસે હતી, જે જનતા દળ (સેક્યુલર) એટલે કે JDS છીનવી લીધી હતી. આ સાથે NDAએ તમામ ચાર બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે.

બિહાર: કુલ 8, ચૂંટણી લડી 5, જીત 0

બિહારમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. RJD સાથે ચાલી રહેલા મતભેદો બાદ પાર્ટીએ આઠમાંથી પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. પરંતુ તેને ક્યાંય જીત મળી નથી. રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધન પણ વિખેરાયેલું જોવા મળ્યું હતું. આરજેડી સાથે વાતચીતમાં સહમતી ન સધાતાં કોંગ્રેસે આઠમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. અગાઉની ચૂંટણીમાં આમાંથી એક બેઠક પર કોંગ્રેસને જીત મળી હતી. પરંતુ આ વખતે પાર્ટી કોઈ પણ બેઠક પર મુખ્ય મુકાબલામાં દેખાઈ નહોતી.

મહારાષ્ટ્ર: કુલ 5, ચૂંટણી લડી 3, જીત 0

મહારાષ્ટ્રની કુલ પાંચ બેઠકોમાંથી કોંગ્રેસે ત્રણ અને શરદ પવારની NCPએ બે બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે અહીં પણ કોંગ્રેસને નિરાશા મળી છે. કોંગ્રેસે જે ત્રણ બેઠકો પર ચૂંટણી લડી હતી, તેમાંથી બે બેઠકો અગાઉ તેની પાસે હતી. આમ છતાં, આ વખતે પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી.

બીજી તરફ, શરદ પવારની પાર્ટીએ પોતાના ફાળે આવેલી બંને બેઠકો જીતી લીધી હતી. વિરોધાભાસ એ રહ્યો છે કે પુણે ગ્રેજ્યુએટ બેઠક પર NCP (S)ના ઉમેદવારને એક લાખથી વધુ મત મળ્યા હતા, જ્યારે પુણે શિક્ષક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 10 હજારથી પણ ઓછા મત મળ્યા હતા.