મોદી, અમિત શાહને ધમકી આપનારની ધરપકડ

હૈદરાબાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું માથું વાઢી નાખવાની ધમકી આપવા બદલ હૈદરાબાદ શહેરના મોઘલપુરા પોલીસ સ્ટેશને શહેરના એક નાના રાજકીય પક્ષના નેતાની ધરપકડ કરી છે. આ શહેરમાં આવતી બીજી અને ત્રીજી જુલાઈએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક મળવાની છે તે પૂર્વે આ મહત્ત્વની ધરપકડ કરવામાં આવી છે. મોદી અને અમિત શાહ એ બેઠકમાં હાજરી આપવા આવવાના છે.

ધરપકડ કરાયેલા નેતાનું નામ છે અબ્દુલ મજિદ અત્તર. ભાજપનાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માએ મોહમ્મદ પયગંબર વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ માફી માગવામાં આવે એવી અત્તરે માગણી કરી હતી. મોદી અને અમિત શાહ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ જો પયગંબર વિશેની ટિપ્પણી બદલ માફી નહીં માગે તો એમને પણ ઈજા પહોંચાડવાની અત્તરે ધમકી આપી હતી. એણે ફેસબુક પર મૂકેલી એક પોસ્ટમાં મોદી અને યોગીના પોસ્ટર મૂક્યા હતા અને માગણી કરી હતી કે આરએસએસ સંસ્થા અને ભાજપના ટોચના નેતાઓ માફી માગે.