નવી દિલ્હીઃ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશમાં વધતા આતંકવાદનું કારણ ગાંધીવાદ છે અને સરકારી ઓફિસોમાંથી ગાંધીજીના ફોટોગ્રાફ્સ અને પ્રતિમાઓને તુરંત દૂર કરવાની માંગ કરી છે. મહાસભાએ સંશોધિત નાગરિકતા કાયદો અને એનઆરસીનું સમર્થન કરતા ભારતના હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની પણ વિનંતી કરી છે. મીડિયા સાથે વાત કરતા અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અશોક શર્મા અને પ્રદેશ પ્રવક્તા અભિષેક અગ્રવાલે કહ્યું કે, દેશમાં અસલી આતંકવાદનું કારણ ગાંધીવાદ છે, કારણ કે દેશમાં આજે જેપણ રાષ્ટ્ર વિરોધી ગવિવિધિઓ થઈ રહી છે, તેની સાથે જોડાયેલા લોકો ગાંધીવાદી હોવાનો દાવો કરી રહ્યા છે.
મહાસભાના બન્ને નેતાઓએ કહ્યું કે, દેશમાં થનારી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ જેવી કે, ભીડ સાથે મળીને લોકોની હત્યા કરવી, પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ પર હુમલો કરવો અને ભારતના ટુકડે-ટુકડા કરવાની વાત કરવી, આવા તમામ પ્રકારના રાષ્ટ્રદ્રોહી કાર્ય કરનારા માત્ર અને માત્ર ગાંધીજીને જ પોતાના આદર્શ માને છે. તેમણે કહ્યું કે, શાહીન બાગ જેવા અલોકતાંત્રિક ધરણામાં જોડાયેલા લોકો ગાંધીને આદર્શ માને છે.
આનો પુરાવો છે કે, આ તમામ લોકો ગાંધીજીના પોસ્ટર લગાવીને આંદોલન કરે છે. શર્મા અને અગ્રવાલે કહ્યું કે, 1947 માં પણ દેશના ભાગ ગાંધીજીના કારણે થયા હતા અને વર્તમાન સમયમાં પણ દેશને ખંડિત કરવાનું સ્વપ્ન જોનારા લોકો આદર્શ ગાંધી છે. એટલા માટે અખિલ ભારતીય હિંદુ મહાસભા ખુલ્લા પત્ર દ્વારા રાષ્ટ્રપતિ પાસે માંગણી કરે છે કે દેશની તમામ સરકારી અને બીન-સરકારી ઓફિસોમાંથી ગાંધીજીના તમામ ચિત્રો અને પ્રતિમાઓ દૂર કરવાનો આદેશ આપે.