ભૂતકાળમાં પણ સાંસદો આ રીતે કરતા આવ્યા છે સંસદની ગરીમાનો ભંગ

નવી દિલ્હીઃ લોકસભા સ્પીકરે આસનથી પેપર છીનવી લેવા અને ફાડી નાંખવાના આરોપમાં કોંગ્રેસના 7 સાંસદોને બાકી રહેલા સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે. આવું પહેલીવાર નથી કે લોકસભામાં સાંસદોને તેમના અયોગ્ય વ્યવહારના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. પહેલા પણ આ પ્રકારની ઘણી જ ઘટનાઓ ઘટી ચૂકી છે.

2 જાન્યુઆરી 2019ના રોજ તત્કાલીન સ્પીકર સુમિત્રા મહાજને હોબાળા બાદ 45 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. તેમણે સૌથી પહેલા એઆઈડીએમકેના 24 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા અને બાદમાં 21 અન્ય સાંસદોને કે જેમાં એઆઈએડીએમકે સાથે ટીડીપી અને વાઈઆરસીપીના એક સાંસદ હતા. એઆઈડીએમકેના સાંસદ કાવેરી નદીમાં પ્રસ્તાવિત ડેમનો વિરોધ કરી રહ્યા હતા તો આંધ્રપ્રદેશના સાંસદ પોતાના ત્યાં એક વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યા હતા.

12 ફેબ્રુઆરી 2014 ના રોજ તત્કાલીન સ્પીકર મીરા કુમારે આંધ્ર પ્રદેશના 18 સાંસદોને આખા બજેટ સત્ર માટે સસ્પેન્ડ કર્યા હતા. તે સમયે પૃથક તેલંગાણાના મુદ્દા પર સંસદની ગરીમા ખરડાઈ હતી અને તેના સમર્થક અને વિરોધીઓએ સદનમાં મરચાનો સ્પ્રે ઉડાડ્યો હતો.

14મી લોકસભામાં તત્કાલીન ટીએમસી સાંસદ મમતા બેનર્જી સસ્પેન્ડ થતા બચ્યા હતા. ઓગસ્ટ 2005 માં તેમણે સ્પીકરના સ્થાન પર જઈને પેપર ઉછાળ્યા હતા. તે સમયે સ્થાન પર ડેપ્યુટી સ્પીકર ચરનજીત સિંહ અટવાલ હતા. બાદમાં મમતાએ ડેપ્યુટી સ્પીકરને પોતાનું રાજીનામું મોકલ્યું હતું અને સદનમાંથી વોક આઉટ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]