હિમાચલ પ્રદેશ: વિધાનસભા ચૂંટણી પ્રચાર પૂર્ણ, 9 નવેમ્બરે મતદાન

શિમલા- હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયાં છે. 9 નવેમ્બરે રાજ્યની 68 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજવામાં આવશે. જેની મત ગણતરી 18 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે. રાજ્યની વર્તમાન જનસંખ્યા 71 લાખથી વધુ છે.

હિમાચલ પ્રદેશમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 136 બૂથ એવા રાખવામાં આવશે જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. હિમાચલ પ્રદેશની વર્તમાન વિધાનસભાની મુદત 07 જાન્યુઆરી, 2018ના રોજ પુરી થાય છે. વર્ષ 1993થી રાજ્યના મુખ્યપ્રધાન પદનો ઈતિહાસ જોઈએ તો, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે દર પાંચ વર્ષે સરકાર બદલાતી રહી છે. વર્તમાન સીએમ વીરભદ્રસિંહ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે.

ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રચારમાં પણ વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દાને પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. ત્યારે કોંગ્રેસ માટે મુશ્કેલીની વાત એ છે કે, રાજ્યના વર્તમાન સીએમ વીરભદ્રસિંહ પર આવક કરતા વધુ સંપત્તિ હોવાનો કેસ ચાલી રહ્યો છે અને તેઓ જામીન પર છૂટ્યાં છે.