ચેન્નાઈ – તામિલ ફિલ્મોના સુપરસ્ટાર કમલ હાસન એમના રાજકીય પક્ષની સ્થાપના કરવાની દિશામાં આગળ વધ્યા છે. એમણે આજે અહીં એવો સંકેત આપ્યો છે કે પોતે આવતા જાન્યુઆરી સુધીમાં નવા પક્ષના નામની જાહેરાત કરશે.
કમલે આજે એમના ૬૩મા જન્મદિવસ નિમિત્તે પત્રકાર પરિષદ બોલાવી હતી. એમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે પોતે હિન્દુ-વિરોધી નથી અને હિન્દુઓની લાગણીને દુભાવવાનો એમનો કોઈ ઈરાદો નહોતો.
કમલે આજે #KH નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે. જે દ્વારા લોકો એમની ફરિયાદો પોતાને જણાવી શકશે અને વિચારવિમર્શ પણ કરી શકશે.
પત્રકારો સાથે એક કલાકની વાતચીત દરમિયાન કમલે કહ્યું હતું કે હું તામિલ નાડુ રાજ્યનો પ્રવાસ કરવાનો છું અને જનતાને મળીને એમની સમસ્યાઓ જાણીશ. પ્રવાસની તારીખો બાદમાં જાહેર કરીશ.
પોતાના અલગ રાજકીય પક્ષની રચના અંગે કમલે કહ્યું કે ઘણી તૈયારીઓ ચાલી રહી છે. હું નિષ્ણાતો તથા મિત્રોની સલાહ લઈ રહ્યો છું અને યોગ્ય સમયે એની જાહેરાત કરીશ.
તાજેતરમાં કરેલા નિવેદનો વિશેના સવાલના જવાબમાં સ્પષ્ટતા કરતા કમલ હાસને કહ્યું કે હું હિન્દુ-વિરોધી નથી. હું તો માત્ર હિન્દુ ઉગ્રવાદ વિશે બોલ્યો હતો, હિન્દુ ત્રાસવાદ વિશે નહીં. હું હિન્દુઓની લાગણીને દુભાવવા માટે પક્ષની રચના નથી કરી રહ્યો. હું હિન્દુ પરિવારમાંથી આવું છું અને હું સૌથી પહેલા તો મારા પરિવારની જ લાગણી ગુમાવવા માગતો નથી.