BJPનો મતદાર સંપર્ક શરુ, રાજકોટમાં કાશ્મીરા નથવાણીએ કેસરિયો પહેર્યો

અમદાવાદ– ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સુસજ્જ ભાજપે આજથી ઘેરઘેર જઇને મતદાતાઓને મળવાનું શરુ કરતાં ગુજરાત ગૌરવ મહાસંપર્ક ઝૂંબેશ શરુ કરી દીધું છે. જેનો આરંભ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમની પરંપરાગત નારણપુરા વિધાનસભા ક્ષેત્રમાં ઘેરઘેર ફરીને કરાવ્યો હતો. સામાન્ય રીતે મતદાર સંપર્ક ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય પછી થતો હોય છે, પણ આ વખતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ડોર ટુ ડોર જઈને મતદારોને મળવાનું શરૂ કર્યું છે. અમિત શાહ રાજકોટ અને સૂરતમાં પણ આ રીતે ઘેરઘેર જવાનો કાર્યક્રમ શરુ કરાવી રહ્યાં છે. આ મહાઝૂંબેશમાં 10 કેન્દ્રીય પ્રધાન પણ ઉતરી રહ્યાં છે. ગુજરાત ગૌરવ મહાસંપર્ક ઝૂંબેશમાં નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઇરાની, ધર્મેન્દ્ર પ્રધાન પ્રચાર રણભૂમિમાં ઉતરી રહ્યાં છે.

12 નવેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલશે જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને બૂથલેવલ કાર્યકર્તાઓ 50 હજાર પોલિંગ બૂથના મતદારોનો સંપર્ક કરશે. આ દરમિયાન પ્રચાર સામગ્રી અને પુસ્તિકાઓ વહેંચવામાં આવશે જેમાં પીએમ મોદીનો સંદેશ છે.અમિત શાહે રાજકોટમાં શંકરસિંહ બાપુના સહયોગી મોટાં માથાં એવા કાશ્મીરા નથવાણીને ભાજપમાં આવકારતાં કેસરિયો ખેસ પહેરાવી દીધો છે અને ગુજરાત ભાજપમાં નવી ભરતી શરુ કરી દીધી છે.

અમિત શાહે પીએમ મોદીના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ અને વિકાસ પ્રત્યેના જનતાના સમર્થનથી ભાજપ ફરીવાર ગુજરાતમાં સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત  વિધાનસભામાં ચૂંટણી પ્રચારમાં આ રીતે ઘેરઘેર ફરીને મતદારોનો સંપર્ક કરવાનો રાઉન્ડ પ્રચાર પડઘમ શાંત થયાંના અને ચૂંટણી દિવસના આગલા દિવસે કરવાનો ટ્રેન્ડ આ વખતે બદલાઇને ભાજપ માટે પ્રથમ પ્રાથમિકતાનો બની ગયો છે તે નોંધવું પડે તેમ છે.