પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડતાં 3 જાસૂસોની હિસારથી ધરપકડ

નવી દિલ્હી- સેનાના ઈન્ટેલિજન્સ વિભાગ અને સૈન્ય પોલીસે મળીને હરિયાણાના હિસારથી કેન્ટ વિસ્તારથી 3 જાસૂસોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાગીબ, મહેતાબ અને ખાલિદના રૂપમાં કરવામાં આવી છે. મહેતાબ મુઝફ્ફરપુરનો રહેવાસી છે, તો ખાલિદ શામલીનો રહેવાસી છે.

ત્રણેય આરોપીઓ એક સપ્તાહ પહેલાં જ કેન્ટ વિસ્તારમાં આવ્યા હતાં. કેન્ટ વિસ્તારમાં મેસ બિલ્ડિંગનું નિર્માણ કામ ચાલી રહ્યું છે, જેના માટે એક સિવિલ કન્સ્ટ્રક્શન કંપનીના લેબર તરીકે આરોપીઓ હાયર કર્યાં હતાં. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને કેટલાક ફોટોગ્રાફ જપ્ત કર્યા છે. ત્રણેય આરોપીઓ વોટ્સએપ મારફતે કોક અને વીડિયો કોલ કરીને પાકિસ્તાની જાસૂસો સાથે વાતચીત કરતા હતાં.

ભારતીય સેનાને આ વાતની પ્રાથમિક જાણકારી મળી હતી. આરોપીઓના મોબાઈલથી સૈન્ય ગતિવિધિઓની વિડિયો ક્લિપ્સ પણ મળી આવી છે. ત્રણેય આરોપીઓને ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી. આ પહેલાં 22 જુલાઈએ એજન્સીઓના ઈનપુટના આધાર પર પંજાબના અમૃતસરથી એક રેલવે કર્મચારીની ધરપકડ કરવામાં આવી. આ કર્મચારી પર આરોપ હતો કે, તે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI માટે કામ કરતો હતો.

ધરપકડ કરાયેલા આરોપીએ ભારત સંબંધિત સૂચનાઓ પડોશી દેશને મોકલી હતી. આરોપીનું નામ રમકેશ મીણા છે, જે અટારી રેલવે સ્ટેશન પર તહેનાત હતો. રમકેશ ભારતીય રેલવેમાં ચોથી શ્રેણીનો કર્મચારી હતો તેમની પાસેથી BSF અધિકારીઓની કેટલીક તસવીરો પણ મળી હતી.