નવી દિલ્હીઃ જ્ઞાનવાપીમાં શિવલિંગ મળ્યા પછી એ સાબિત થઈ ગયું છે કે મુગલ આક્રમણકારીઓએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. જેથી દેશના મુસ્લિમ બુદ્ધિજીવીઓ દ્વારા જ્ઞાનવાપીને હિન્દુ ભાઈઓને સોંપવાની વાત થવા લાગી છે. તેમનું કહેવું છે કે કોર્ટની બહાર સદભાવથી મથુરા અને કાશીના મામલા હલ થઈ શકે છે. આ દિશામાં સૌહાર્દપૂર્ણ રીતે આગળ વધવા માટે વરિષ્ઠ મુસ્લિમોની એક પેનલ બનાવવામાં આવી છે, જે ઇતિહાસની કડવી સચ્ચાઈથી સમાજને જાણ કરતાં સદભાવનાનો રસ્તો શોધશે. આ પેનલમાં હજ કમિટી ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ તનવીર અહમદ, નાગપુર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રો. એસ. એન. પઠાણ અને હૈદરાબાદ સ્થિત મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલાધિપતિ ફિરોઝ બખ્ત અહમદ સામેલ છે.
આ પેનલનું ધ્યેય મુસ્લિમોને એ જણાવવાનું છે કે આ મામલો કોર્ટમાં છે, તો તેઓ કોઈ પણ પ્રકારનાં ઉશ્કેરણીજનક નિવેદનોની બચે. વળી, તેમણે સર્વેમાં પહેલા દિવસે કામમાં અડચણ નાખવાની બાબતને ખોટી ગણાવી હતી, એમ ફિરોઝ બખ્ત અહેમદે કહ્યું હતું.
તેમણે મુસ્લિમોને સમાજમાં ઝેર ઓકનાર નેતાઓ અને રાજકીય પક્ષોથી દૂર રહેવા અપીલ કરી હતી, કેમ કે તેઓ તેમનો મતબેન્ક રૂપે ટિશ્યુ પેપરની જેમ ઉપયોગ કરી રહ્યા છે. તેમના જ કારણે મુસ્લિમ કોમ આટલી અશિક્ષિત, અસુરક્ષિત અને આર્થિક રીતે પછાત છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે જો મુસ્લિમ સમાજ મુગલો અને સુલતાનો દ્વારા ધ્વસ્ત કરવામાં આવેલાં મંદિરો માટે માફી માગી લે અને અયોધ્યા, જ્ઞાનવાપી તેમ જ મથુરાની મસ્જિદોપછી તેમની કોઈ પણ મસ્જિદને ન તોડવાનું આશ્વાસન લઈ લે તો આ મામલો રાજીખુશીથી ઊકલી શકે એમ છે.