સરકાર લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી કરશે સન્માનિત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર લાલ કૃષ્ણ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરશે. કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં દેશ માટે અસાધારણ યોગદાન આપનારા લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવા પર આનંદ વ્યક્ત કર્યો હતો.

અડવાણી પાંચ વાર લોકસભા અને ચાર વાર રાજ્યસભાથી સાંસદ રહ્યા છે. તેઓ ત્રણ વાર ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ 2002થી 2004 સુધી દેશના ઉપ વડા પ્રધાન પણ રહી ચૂક્યા છે.ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમા નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927એ એક હિન્દુ સિંધી પરિવારમાં કરાચી, પાકિસ્તાનમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગ સાહસિક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી તેઓ ડીજી નેશનલ સ્કૂલ, હૈદરાબાદ, સિંધમાં જોડાયા. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો. અહીં તેમણે બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેમના પુત્રનું નામ જયંત અડવાણી અને પુત્રીનું નામ પ્રતિભા અડવાણી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર આ વિશે પોસ્ટ કરતાં લખ્યું હતું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અડવાણીએ 2002 અને 2004 ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડા પ્રધાનનું પદ સંભાળ્યું હતું. આ પહેલા તેઓ 1998થી 2004 દરમિયાન ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)માં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારાઓમાં સામેલ છે. 10મી અને 14મી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી શરૂ કરી હતી. 2015માં, તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.