ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ): પત્રકાર વિક્રમ જોષીની અહીં કરાયેલી હત્યાના મામલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બીએસપી અધ્યક્ષા માયાવતીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘વાયદો તો રામ રાજનો કર્યો હતો પરંતુ આપ્યું ગુંડારાજ.’
તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, એક નિડર પત્રકાર વિક્રમ જોષીના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. પોતાની ભાણીની છેડતી કરાવનારા લોકો સામે પોલીસ એફઆઈઆર નોંધાવી હતી એટલા માટે તેમને યૂપીમાં ગોળી મારી દેવામાં આવી. દેશમાં ભયનો માહોલ છે. મીડિયાકર્મીઓને પણ છોડવામાં નથી આવતા.
બીએસપી અધ્યક્ષા માયાવતીએ કહ્યું કે, આખા ઉત્તર પ્રદેશમાં હત્યા અને મહિલાઓ વિરુદ્ધ સહિત જે રીતે ગંભીર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તે જોતાં સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશમાં કાયદાનું નહી પરંતુ જંગલ રાજ ચાલી રહ્યું છે. એટલે કે યુપીમાં વાયરસથી વધારે ગુનોગારોના ક્રાઈમ વાયરસનું જોર છે. લોકો ત્રસ્ત છે. સરકાર આ મામલે ધ્યાન આપે.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ કહ્યું કે, ગાઝિયાબાદના પત્રકાર વિક્રમ જોષી હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમની ભૂલ એ હતી કે, પોતાની ભાણીની છેડતી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી. પીડિત પરિજનો પ્રત્યે મારી ગહન સંવેદના છે. આ યૂપીના જંગલરાજનો ક્રૂર ચહેરો છે.
આ સાથે જ અજય કુમાર લલ્લૂએ પૂછ્યું કે, ગાઝિયાબાદના પત્રકારનો શું ગુનો હતો? શું પોતાના પરિવારની સુરક્ષા માટે ન્યાય માંગવો તે ગુનો છે? મુખ્યમંત્રી જી, આ રાજ્ય તમારાથી સચવાતું નથી. રાજીનામું આપો અને ગોરખપુર જતા રહો. ગોરખપુર આપની રાહ જોઈ રહ્યું છે.
ગાઝિયાબાદમાં પત્રકાર વિક્રમ જોશીની હત્યા
ગયા સોમવારે સાંજે વિક્રમ જોશી એમની પાંચ અને આઠ વર્ષની વયની, એમ બંને પુત્રી સાથે બાઈક પર જતા હતા ત્યારે ગાઝિયાબાદના વિજય નગર વિસ્તારમાં પાંચ-છ શખ્સોએ એમને રોક્યા હતા અને એમની બાઈક નીચે પાડી દીધી હતી અને જોશીની મારપીટ કરી હતી. બાદમાં એમણે જોશીને માથામાં ગોળી મારી હતી અને ફરાર થઈ ગયા હતા. આ હુમલો બંને પુત્રીની નજર સામે કરાયો હતો. એ આખી ઘટના સીસીટીવી પર કેદ થઈ છે. વિક્રમ જોશી જમીન પર ઘાયલ થયેલા પડ્યા હતા. એમની નાની દીકરી પિતાને બેહોશ થયેલા જોઈને ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડવા લાગી હતી. ઘાયલ જોશીને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે સવારે એમનું મૃત્યુ થયું હતું.
પોલીસે આઈપીસીની કલમ 307, 34, 506, અંતર્ગત ગુનો નોંધ્યો છે. પોલીસે 3 પૈકી 2 આરોપીઓ રવિ અને છોટૂની પહેલા જ ધરપકડ કરી લીધી છે. આ બંન્નેના સાથીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
ગાઝિયાબાદ પોલીસે રવી, છોટૂ સિવાય મોહિત, દલવીર, આકાશ, યોગેન્દ્ર, અભિષેક, અભિષેક મોટા અને શાકિરની ધરપકડ કરી છે. પોલીસ આકાશ બિહારી નામના એક વ્યક્તિની શોધખોળ કરી રહી છે. અલગ-અલગ જગ્યાઓ પર રેડ પાડી તેની શોધ કરવામાં આવી રહી છે.
આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પીડિત પરિવારનો આરોપ છે કે, પોલીસે વિક્રમની ફરિયાદને ધ્યાન પર લીધી નહોતી. ફરિયાદ બાદ કેસમાં બેદરકારી રાખનારા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એસએસપી કલાનીધી નૈથાનીએ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કર્યા છે. આ આખા મામલાની તપાસ એક અન્ય અધિકારીને સોંપી દેવામાં આવી છે.