ગૌતમ ગંભીરની સંસ્થા પર દવાની સંઘરાખોરીનો આરોપ

નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય બનેલા ગૌતમ ગંભીરે રચેલી સંસ્થા ગૌતમ ગંભીર ફાઉન્ડેશન કોરોનાવાઈરસ બીમારીના દર્દીઓની સારવાર માટે વપરાતી દવા ફેબિફ્લૂનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવા, હાંસલ કરવા અને એનું વિતરણ કરવા માટે કસુરવાર હોવાનું માલૂમ પડ્યું છે. આ જાણકારી દિલ્હી સરકારના ડ્રગ કન્ટ્રોલરે આજે દિલ્હી હાઈકોર્ટમાં આપી હતી.

ડ્રગ કન્ટ્રોલરે કોર્ટને જણાવ્યું છે કે ગંભીરની સંસ્થા સામે તેમજ દવાના ડીલરો સામે પણ પગલું ભરવામાં આવશે. વિધાનસભ્ય પ્રવીણ કુમાર પણ ડ્રગ્સ અને ડોમેસ્ટિક કાયદા અંતર્ગત આવા જ ગુના માટે કસુરવાર હોવાનું માલૂમ પડ્યું છે. કોર્ટે ડ્રગ કન્ટ્રોલરને કહ્યું છે કે આ કેસોમાં કાર્યવાહીમાં થયેલી પ્રગતિનો રિપોર્ટ છ અઠવાડિયામાં સુપરત કરો. કોર્ટે સુનાવણી માટે નવી તારીખ 29 જુલાઈ નક્કી કરી છે.