કેન્દ્રીય કર્મચારીઓ માટે ‘વર્ક-ફ્રોમ-હોમ’ સુવિધાનો અંત

મુંબઈઃ કર્મચારીઓને લગતા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીએ ઊભી કરેલી પરિસ્થિતિમાં સુધારો થતાં સોમવાર, 7 ફેબ્રુઆરીથી કાર્યાલયો તમામ કર્મચારીઓની 100 ટકા હાજરી સાથે ફરી શરૂ થશે. એમણે વધુમાં કહ્યું છે કે દેશભરમાં કોરોના પોઝિટીવ દરમાં પણ ઘટાડો નોંધાયો છે. તેથી નક્કી કરાયું છે કે સોમવાર, 7 ફેબ્રુઆરીથી દેશમાં તમામ કાર્યાલયોને સંપૂર્ણ હાજરી સાથે ફરી શરૂ કરવી. તમામ સ્તરના કર્મચારીઓએ નિયમિત ધોરણે ઓફિસમાં હાજર થઈને કામ કરવાનું રહેશે. આમાં કોઈ પણ પ્રકારની માફી નહીં અપાય. જોકે તમામ વિભાગોના વડાઓએ એ તકેદારી રાખવી પડશે કે તમામ કર્મચારીઓ આખો દિવસ મોઢા પર માસ્ક પહેરી રાખે અને કોવિડ-19ને લગતા નિયંત્રણોનું પાલન કરે. આમ, કર્મચારીઓ માટે વર્ક-ફ્રોમ-હોમ સુવિધા હવે સમાપ્ત થાય છે.

જોકે મહાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરનાં ગઈ કાલે થયેલા નિધનને કારણે કેન્દ્ર સરકારે તેમજ ઘણા રાજ્યોની સરકારોએ લતાજીનાં માનમાં આજે જાહેર રજા ઘોષિત કરી છે. કેન્દ્ર સરકારે નાયબ સચિવથી નીચેના સ્તરના 50 ટકા કર્મચારીઓને એમનાં ઘેરથી જ કામ કરવાની સુવિધાની મુદતને ગઈ 31 જાન્યુઆરીએ 15 ફેબ્રુઆરી સુધી લંબાવી હતી.