લાલ કિલ્લા પરથી PM મોદીએ ચીન-પાકિસ્તાનને ચેતવણી આપી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 74માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી ચીનને ચેતવતાં કહ્યું હતું કે LOCથી માંડીને LAC સુધી દેશ તરફ જેકોઈ પણ આંખ ઉઠાવશે, એને દેશની સેના એની ભાષામાં જવાબ આપશે.દેશની સુરક્ષાનું સન્માન અમારા માટે પ્રથમ છે. આ સંકલ્પ માટે અમારા વીર જવાન શું કરી શકે છે? દેશ શું કરી શકે છે એ લદ્દાખમાં વિશ્વએ જોયું છે.  તેમણે પાકિસ્તાનને પણ આતંકવાદ મુદ્દે ચેતવણી આપી હતી.

  ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી

અમારા પડોશી દેશોની સાથે, એ અમારાથી જમીનથી જોડાયેલા હોય કે સમુદ્રથી- પરસ્પર સંબંધોને અમે સુરક્ષા, વિકાસ અને વિશ્વાસની ભાગીદારીથી જોડાયેલા રહીએ છીએ. તેમનું આ નિવેદન ગયા જૂનમાં લદ્દાખમાં થયેલી ઘટનાને જોતાં મહત્ત્વનું છે. લદ્દાખમાં સૈનિકો સાથે ચીન સાથે અથડામણ પછી આ પહેલો પ્રસંગ છે કે તેમણે LACનો ઉલ્લેખ કર્યો હોય. જોકે આ પહેલાં પણ તેમણે લદ્દાખમાં જઈને ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી.

તેમણે કહ્યું હતું કે 21મી સદીના આ દાયકામાં હવે ભારત નવી નીતિરીતિની સાથે આગળ વધી રહ્યું છે. હવે સાધારણ કામથી નહીં ચાલે. આપણી નીતિ, પ્રક્રિયા, ઉત્પાદન-બધું સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ, ત્યારે આપણ એક ભારત-શ્રેષ્ઠનું સપનું સાકાર કરી શકીશું. ભારતે અસાધારણ સમયમાં અસંભવને સંભવ કર્યું છે. આ જ ઇચ્છાશક્તિ સાથે પ્રત્યેક ભારતીયએ આગળ વધવાનું છે. વર્ષ 2022માં અમારી સ્વતંત્ર્યતાનાં 75 વર્ષનું પર્વ છે.

15-16 જૂનની રાતે ચીનની સેના સાથે અથડામણ

15 અને 16 જૂને ચીનની સેના સાથે ભારતીય સેનિકોની અથડામણમાં 20 જવાનો શહીદ થયા હતા. આ અથડામણમાં ચીનના પણ આશરે 50 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ હતા. આ ઘટના પછી બંને દેશોની વચ્ચે કેટલાય સ્તરે વાટાઘાટ થઈ ચૂકી છે, પણ ચીનની નિયતિ સાફ નથી દેખાતી.