પાંચ મહિના બાદ વૈષ્ણોદેવી મંદિરનાં દ્વાર ફરી ખૂલ્યાં

કટરાઃ કોરોના વાઈરસનું તબીબી પરીક્ષણ કરાવ્યું નહીં હોય એવી એક પણ વ્યક્તિને કટરામાં પ્રવેશ આપવામાં નહીં આવે. દરેકનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ અને તે પણ લેટેસ્ટ હોવો જોઈએ. જૂનો રિપોર્ટ નહીં ચાલે અને એવી વ્યક્તિને ક્વોરન્ટાઈન પણ કરવામાં આવી શકે.

કોરોના વાઈરસના ફેલાવાને કારણે છેલ્લા પાંચ મહિનાથી સ્થગિત કરી દેવાયેલી વૈષ્ણોદેવી મંદિર યાત્રા આજથી ફરી શરૂ કરવામાં આવી છે. જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના રાયસી જિલ્લાની ત્રિકુટા પર્વતમાળામાં આવેલા પ્રસિદ્ધ વૈષ્ણોદેવી ગુફા મંદિરની યાત્રામાં સામેલ થવા માટે પ્રશાસને અત્યંત કડક નિયમો લાગુ કર્યા છે.

આજે પહેલા દિવસથી લઈને સાત દિવસ સુધી દરરોજ માત્ર 2000 શ્રદ્ધાળુઓને જ દર્શન કરવા જવા દેવામાં આવશે. આમાંના 1,900 જમ જમ્મુ-કશ્મીરના જ હોવા જોઈએ અને બાકીના 100 જણ જ બહારના (અન્ય રાજ્યોના) હોવા જોઈએ.

મંદિરના 8 પૂજારી અને મંદિર શ્રાઈન બોર્ડના 11 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યા બાદ પ્રશાસને શ્રદ્ધાળુઓ માટેના નિયમોનો કડક રીતે અમલ કરવાનું નક્કી કર્યું છે.

ગઈ 8 માર્ચથી બંધ કરી દેવાયેલી આ યાત્રાને હવે બેટરીથી ચાલતા વાહનો, યાત્રી રોપ-વે અને હેલિકોપ્ટર સેવાના માધ્યમથી ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવી છે.

શ્રદ્ધાળુઓએ એમનું નામ ઓનલાઈન માધ્યમથી રજિસ્ટર કરાવવું પડશે. જમ્મુ અને કશ્મીરના રેડ ઝોન જિલ્લાઓ તથા અન્ય ક્ષેત્રોના લોકોએ એમની સાથે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ રાખવો ફરજિયાત રહેશે.