ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું હાર્ટ એટેકથી નિધન, એ કોરોનાગ્રસ્ત પણ હતા

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં હોમગાર્ડ ખાતાના પ્રધાન અને ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર ચેતન ચૌહાણનું આજે સાંજે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એમને કોરોના વાઈરસનો ચેપ પણ લાગ્યો હતો. એ 73 વર્ષના હતા. એમનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો.

ગઈ 12 જુલાઈએ ચૌહાણની તબિયત બગડતાં એમને લખનઉની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં કોરોના ટેસ્ટમાં એ પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યાં એમી તબિયત બગડતાં છેલ્લા અમુક દિવસોથી એમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં ગઈ કાલે એમની તબિયત વધારે બગડી હતી અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગયા શુક્રવારથી જ એમના શરીરના અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા.

ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય હતા. ભૂતપૂર્વ સંસદસભ્ય ચૌહાણ અમરોહામાં નૌગાવાં સાદાત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી.

ક્રિકેટર તરીકે ચેતન ચૌહાણ 40 ટેસ્ટ મેચ અને સાત વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં રમ્યા હતા. એમની ક્રિકેટ કારકિર્દી 12 વર્ષની રહી હતી (1969-1981). એ જમણેરી બેટ્સમેન હતા અને ઓપનિંગમાં રમતા હતા. દંતકથા સમાન ઓપનર સુનીલ ગાવસકર સાથે એમણે 10 ટેસ્ટ દાવમાં સેન્ચૂરીની ભાગીદારી કરી હતી. આ જોડીએ ટેસ્ટ મેચોમાં 3,000થી વધારે રન બનાવ્યા હતા. 1979માં, ઓવલમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ગાવસકર અને ચૌહાણે પહેલી વિકેટ માટે 213 રનની ભાગીદારી કરી હતી, જે એમની બેસ્ટ હતી.

ગાવસકરના એ સૌથી લાંબા સમય સુધીના ઓપનિંગ જોડીદાર રહ્યા હતા. બંનેએ 59 દાવમાં 53.75ની સરેરાશ સાથે ભાગીદારીના 3,010 રન કર્યા હતા.

ચૌહાણ ટેસ્ટ ક્રિકેટમાં એકેય સદી ફટકારી શક્યા નહોતા. 80થી વધારે રનના સ્કોર પર એ સાત વખત આઉટ થયા હતા. એક વાર તો 93 અને બીજી વાર 97 રનના વ્યક્તિગત સ્કોર પર એ આઉટ થયા હતા.

સ્થાનિક સ્તરે, ચૌહાણ રણજી ટ્રોફીમાં દિલ્હી અને મહારાષ્ટ્ર વતી રમ્યા હતા. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં એમણે 11,173 રન કર્યા હતા.

ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ એમણે ભારતીય ટીમના મેનેજર અને દિલ્હી ક્રિકેટ એસોસિએશનના વહીવટમાં સામેલ થયા હતા. 2001માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના એ મેનેજર હતા, જે શ્રેણી ભારતે જીતી હતી.