નુકસાન ભરપાઈની ગેરંટીની જાળમાં ફસાતાં વેપારી સાથે છેતરપિંડી

લુધિયાણાઃ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે- એ કહેવતને યર્થાર્થ ઠેરવતી ઘટના બની છે. લુધિયાણાના એક વેપારીને ફોન આવ્યો અને મૂડીરોકાણના પ્રસ્તાવ પર સમજદારી દેખાડવાના પ્રયાસ કર્યા. સામસામા સવાલ-જવાબ થયા અને નુકસાન થવાની સ્થિતિ પર પૈસાની પૂછપરછ કરવામાં આવી. તેમના મૂડીરોકાણ પર જો નુકસાન થવા પર એની ભરપાઇ કરવાની ગેરંટી મળી… અને ભૂલ ત્યાં જ થઈ ગઈ.

એ ગેરંટી પર વિશ્વાસ કરી બેઠા અને પરિણામ એ આવ્યું કે તેઓ પોતાના રૂ. 1.1 કરોડ ગુમાવી ચૂક્યા. આ વેપારીએ પોલીસને કરેલી ફરિયાદ મુજબ તેને 16 જાન્યુઆરીએ એક મહિલાનો ફોન આવ્યો હતો. આ મહિલાએ કંપની દ્વારા મૂડીરોકાણ કરવા પર બહુ ઊંચા વળતરની લાલચ આપી હતી. આ યોજના હેઠળ મહિલાની સાથે-સાથે કેટલાક અન્ય લોકોએ વેપારીને કંપનીના વરિષ્ઠ અધિકારી તરીકે વાત કરી હતી.

આ વેપારીના જણાવ્યા મુજબ કંપનીના અધિકારીઓએ કહ્યું હતું કે નુકસાન થવા પર તેમના નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. આ પ્રકારે ગેરંટી મળવા પર વેપારીએ રૂ. 1.1 કરોડનું મૂડીરોકાણ આ લોકોના કહેવા અનુસાર કર્યું. મૂડીરોકાણના પહેલા જ દિવસે આ વેપારીને રૂ. ચાર લાખ મળ્યા હતા. જોકે એ પછી નુકસાન થતું ગયું.જોકે આ ઠગો આ વેપારીને સમજાવતા રહ્યા કે નુકસાનની પૂરી ભરપાઈ થઈ જશે.

આ વેપારીને એ પછી શંકા જતાં ભોપાલના સરનામા પર પહોંચ્યો, જે એ લોકોએ આપ્યું હતું. જોકે એ સરનામા પર કોઈ ઓફિસ જ નહોતી. ત્યાર બાદ ઠગોએ ફોન ઉઠાવવાનો જ બંધ કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થવાનું માલૂમ પડતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો. હવે પોલીસ ગુનાખોરોને શોધી રહી છે.