મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીથી ઠીક પહેલાં ગઠબંધન સરકારમાં સામેલ NCP નેતા અજિત પવારની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કેમ કે પાર્ટીના ચાર મહત્ત્વના નેતાઓએ તેમનો સાથ છોડ્યો છે. આ ચારે નેતાઓ શરદ પવાર જૂથમાં સામેલ થાય એવી વકી છે.
રાજ્યના પિંપરી ચિંચવડથી આવનારા પાર્ટીના ચાર મોટા નેતાઓએ NCPથી રાજીનામાં આપી દીધાં છે અને તેઓ શરદ પવાર જૂથની NCPમાં જોડાય એવી શક્યતા છે. આ નેતાઓમાં પિંપરી ચિંચવડના વડા અજિત ગવાહથી માંડીને વિંગના પ્રમુખ યશ સાને, ભૂતપૂર્વ કાઉન્સિલર પંકડ ભાલેકરનું નામ પણ સામેલ છે.
મહા ગઠબંધનમાં NCP માટે ભોસરી વિધાનસભા સીટ મેળવવાના પ્રયાસ નિષ્ફળ થયા પછી ગવાહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણીમાં MVAએ મહાયુતિને આંચકો આપતાં 48માંથી 30 બેઠકો જીતી લીધી હતી. NCPએ માત્ર એક જ સીટ જીતી હતી, જ્યારે પવારને આઠ સીટો મળી હતી.
NCP છોડનારા આ નેતાઓની આ સપ્તાહના અંત સુધીમાં શરદ પવારના જૂથમાં પ્રવેશવાની સંભાવના છે. શરદ પવારે પણ પાછલા કેટલાક મહિનાઓમાં કહ્યું હતું કે જે લોકોએ પાર્ટીને નબળી બનાવી છે, તેમને પાર્ટીમાં નહીં લેવામાં આવે, પણ સંગઠનને મજબૂત કરનારા નેતાઓ માટે તેમની પાર્ટીના દરવાજા ખુલ્લા છે.
અજિત પવાર અને શરદ પવારની વચ્ચે પાર્ટી પર પ્રભુત્વને લઈને લાંબી ટક્કર થઈ હતી, પણ ચૂંટણી પંચે NCP તરીકે અજિત પવારને માન્યતા આપી હતી. અજિત પવારે તેમના કાકા અને NCPના સંસ્થાપક શરદ પવારની વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. જેને પગલે પવાર પરિવાર બે રાજકીય જૂથોમાં વિભાજિત થયો હતો.