ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ સ્થિત છે. હવામાન વિભાગે 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ બાદ વડોદરાના લગભગ તમામ વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને લીધે કેટલાંય ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને નીચલા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. વરસાદને કારણે સેંકડો લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સુરત, ભરૂચ અને આણંદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યવ્યસ્ત થઈ ગયું છે. જેને પગેલ અધિકારીઓએ કેટલીક જગ્યે સ્કૂલો-કોલેજો બંધ કરવાની ઘોષણા કરી છે. કેટલાક વિસ્તારોમાં રેલવે સેવાઓને પણ અસર થઈ છે.

છેલ્લા 24 કલાકમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ, નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરૂચમાં 181 મિ.મી. અને છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે.

હવામાન વિભાગે અમરેલી, નવસારી, વલસાડ,  દીવ અને દાદરા-નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરમાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિનોર તાલુકામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લાના સાવલી તાલુકામાં 11 મીમી વાઘોડિયામાં 8, ડભોઇ 16, પાદરા 57, કરજણમાં 30 મીમી વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. સવારથી પડેલા વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.