લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે નવા લાગુ કરેલા ‘ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મપરિવર્તન પ્રતિબંધક વટહૂકમ, 2020’ એટલે કે (લવ જિહાદ-વિરોધી કાયદા) અંતર્ગત પહેલો કેસ બરેલી જિલ્લાના દેવરનિયાં નગરમાં નોંધવામાં આવ્યો છે. આ જાણકારી પોલીસે આપી છે. આરોપી એક મહિલાને તેનો ધર્મ બદલવાનું દબાણ કરતો હતો. આરોપી હાલ ફરાર છે.
આ કાયદા અંતર્ગત લવ જિહાદ સંબંધિત ગુનાઓ કરવા બદલ વધુમાં વધુ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. લગ્ન કરવા માટે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવા માટે જો કોઈ આરોપી અપરાધી ઠરે તો એને એકથી લઈને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સગીર વયની બાળાઓ અને અનુસૂચિત જાતિ-જનજાતિઓની મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવવા બદલ 3-10 વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 25,000ના દંડની જોગવાઈ છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પ્રધાનમંડળે ગઈ 24 નવેમ્બરે લવ-જિહાદ વિરુદ્ધ વટહૂકમને મંજૂરી આપી હતી. રાજ્યનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ગઈ કાલે આ વટહૂકમ પર મંજૂરીની મ્હોર મારી હતી.