PM મોદીએ સિરમની ‘કોવિશિલ્ડ’ વેક્સિનની જાણકારી લીધી

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે વડા પ્રધાન મોદી વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરવા પુણે પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વેક્સિનના ઉત્પાદનની માહિતી મેળવી હતી. સિરમ ઇન્સ્ટિટયૂટ કોરોના વેક્સિન બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનકાની સાથે મળીને વેક્સિન બનાવી રહી છે. વડા પ્રધાન પુણેની મુલાકાત પછી દિલ્હી જવા રવાના થશે.

વડા પ્રધાન મોદી પુણ પહોંચ્યા પછી હવે હેલિકોપ્ટરમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પહોંચ્યા હતા. વડા પ્રધાનને સિરમ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો વેક્સિન વિશે માહિતી આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોવિશિલ્ડ વેક્સિનના કરોડો ડોઝ તૈયાર થઈ ચૂક્યા છે.  

આ પહેલા વડા પ્રધાને ભારત બાયોટેકની કોવાક્સિનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.  વડા પ્રધાન હૈદરાબાદમાં ભારત બાયોટેકના કોરોના સેન્ટરની મુલાકાતને લઈને એક ટ્વીટ કર્યું હતું. વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે હૈદરાબાદમાં ભારત બાયોટેકની સુવિધામાં તેમની સ્વદેશી કોવિડ-19 વેક્સિન વિશે માહિતી આપવામાં આવી છે. અત્યાર સુધીનાં પરીક્ષણોમાં વૈજ્ઞાનિકોને તેમની પ્રગતિ માટે અભિનંદન. તેમની ટીમ ICMRની સાથે મળીને કામ કરી રહી છે.