PM મોદીએ હૈદરાબાદમાં ‘કોવાક્સિન’ની માહિતી મેળવી

હૈદરાબાદઃ કોરોના રોગચાળાના સંકટ વચ્ચે વડા પ્રધાન મોદી દેશમાં કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. જેના ભાગરૂપે વડા પ્રધાન મોદી હૈદરાબાદ પહોંચ્યા હતા. તેઓ અહીં ભારત બાયોટેકના કોરોના સેન્ટરમાં પહોંચ્યા હતા. તેમણે અહીં કંપનીની વેક્સિન ‘કોવાક્સિન’ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે વૈજ્ઞાનિકો સાથે વેક્સિન બાબતે વિચારવિમર્શ કર્યો હતો.

ભારત બાયોટેક કોરોના સેન્ટરમાં કંપની અને ICMR દ્વારા તૈયાર સ્વદેશી કોરોના વેક્સિન ‘કોવાક્સિન’ની ટ્રાયલ હાલ ત્રીજા અને અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

વડા પ્રધાને ટ્વીટ કર્યું

વડા પ્રધાન હૈદરાબાદમાં ભારત બાયોટેકના કોરોના સેન્ટરની મુલાકાતને લઈને એક ટ્વીટ કર્યું હતું. વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે હૈદરાબાદમાં ભારત બાયોટેકની સુવિધામાં તેમની સ્વદેશી કોવિડ-19 વેક્સિન વિશે માહિતી આપવામાં આવી છે. અત્યાર સુધીનાં પરીક્ષણોમાં વૈજ્ઞાનિકોને તેમની પ્રગતિ માટે અભિનંદન. તેમની ટીમ ICMRની સાથે મળીને કામ કરી રહી છે.

 

ભારત બાયોટેક વેક્સિન સેન્ટરમાં એક કલાક મુલાકાત પછી મોદી પુણે રવાના થશે. વડા પ્રધાન મોદી પુણેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) જશે. SIIએ કોવિડ-19ની વેક્સિન માટે વૈશ્વિક દવા ઉત્પાદક કંપની એસ્ટ્રાઝેનકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે ભાગીદારી કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન SIIમાં આશરે 4.30 કલાકે પહોંચશે અને એકાદ કલાક રોકાશે.