કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ નહીં મૂકાયઃ નાણાં મંત્રાલય

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાનો કોઈ વિચાર નથી. છેલ્લા કેટલાક દિવસોમાં એવી અફવા ઊડી હતી કે કોરોના વાઇરસના સંકટને પગલે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ મૂકે એવી શક્યતા છે. પરંતુ, કર્મચારીઓની સેલેરીમાં કોઈ કાપ મૂકવામાં નહીં આવે, તેમને પૂરી સેલેરી આપવામાં આવશે. મંત્રાલયે પગાર મામલે ચાલતી અફવાને પાયાવિહોણી ગણાવી છે.

નાણાં મંત્રાલયે સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની કોઈ પણ શ્રેણીના હાલના પગાર કોઈ પણ પ્રકારનો કાપ મૂકવા માટે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ નથી. મિડિયાના અમુક વર્ગોના અહેવાલ ખોટા છે અને જેનો કોઈ આધાર નથી.

આનાથી વિપરીત વેપાર મંત્રાલયે લોકડાઉનમાં કંપનીઓને અમુક રાહત આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ વિવિધ રાજ્યોમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં હાલની કંપનીઓના યુનિટ માટે આ વર્ષે લીઝ ભાડું વધારવામાં નહીં આવે. આ કંપનીઓ ચાલુ ત્રિમાસિકનું લીઝ ભાડું 31 જુલાઈ સુધી ભરી શકે છે અને એના પર કોઈ વ્યાજ પણ નહીં લાગે.

જિતેન્દ્ર સિંહે ટ્વીટ કર્યું

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવાનો પ્રસ્તાવ વિચારાધીન નથી. જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને કહ્યું છે કે કૃપયા મિડિયાના એક સેક્શનમાં પ્રસારિત થઈ રહેલા FAKE NEWSની અવગણના કરો.