નવી દિલ્હીઃ વિવાદાસ્પદ બનેલા નવા કૃષિ કાયદાઓમાં ફેરફારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો ખેડૂતોએ સર્વાનુમતે અસ્વીકાર કર્યો છે. તૈયાર થયેલા પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ – MSP)ની હાલની પદ્ધતિ ચાલુ રાખવાની સરકારે લેખિતમાં ખાતરી આપી તે છતાં ખેડૂત સંગઠનોના આગેવાનોએ રચેલા સંયુક્ત કિસાન મોરચાએ પ્રસ્તાવને ફગાવી દીધો છે. સરકારે તેમને આ પ્રસ્તાવ આજે સવારે આપ્યો હતો.
ખેડૂત સંગઠનોના આગેવાનોએ બાદમાં તેની પર વિગતવાર ચર્ચા કરી હતી અને આખરે નિર્ણય લીધો કે આ પ્રસ્તાવ સ્વીકારવાને લાયક નથી. જ્યાં સુધી સરકાર આ કાયદાઓને રદ ન કરે ત્યાં સુધી દિલ્હીના હદ વિસ્તારમાં શાંત દેખાવો-આંદોલન ચાલુ રાખવાનું પણ તેમણે નક્કી કર્યું છે. ખેડૂતોના 13 સંગઠનો સાથે સંકળાયેલા હજારો છેલ્લા એક પખવાડિયાથી આ આંદોલન પર બેઠાં છે.
ખેડૂતોએ એમ પણ કહ્યું છે કે તેઓ 12 ડિસેમ્બરે દિલ્હી-જયપુર હાઈવે પર વાહનોને અટકાવશે અને 14 ડિસેમ્બર સુધીમાં આંદોલનને વ્યાપક બનાવાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ખેડૂત આગેવાનોની ગઈ કાલ સાંજની બેઠક પણ નિષ્ફળ ગઈ હતી.