ખેડૂતો-સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત્ઃ 15-જાન્યુઆરીએ ફરી મળશે

નવી દિલ્હીઃ કેન્દ્રના 3 વિવાદાસ્પદ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 43 દિવસોથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના સીમાંત વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સંગઠનોના આગેવાનો તથા કેન્દ્ર સરકારના પ્રધાનો વચ્ચે આજે મંત્રણાનો એક વધુ દોર – આઠમો દોર યોજાઈ ગયો. પરંતુ તેમાં કોઈ પરિણામ ન આવતાં મડાગાંઠ ચાલુ રહી છે. ખેડૂતો કાયદા પાછા ખેંચી લેવાની માગણી પર જ્યારે સરકાર કાયદા પાછા ન ખેંચવાના આગ્રહને વળગી રહ્યા છે. હવે બંને પક્ષ વચ્ચે મંત્રણાનો નવો દોર 15 જાન્યુઆરીએ યોજાશે.

ઓલ ઈન્ડિયા કિસાન સભાના મહામંત્રી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ના નેતા હન્નન મુલ્લાનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર ત્રણેય કાયદા પાછા નહીં ખેંચે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અમે સરકારને કહી દીધું છે કે અમારે ત્રણેય કાયદા રદબાતલ કરાયા સિવાય બીજું કંઈ ન જોઈએ. અમે કોઈ પણ કોર્ટમાં નહીં જઈએ. કાં તો કાયદા પાછા ખેંચો અથવા અમે આંદોલન ચાલુ રાખીશું. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે મુલ્લાની લાગણીને ટેકો આપ્યો છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે આજની બેઠક બાદ પત્રકારોને કહ્યું કે, બેઠકમાં ત્રણેય કાયદા વિશે ચર્ચા કરવામાં આવી હતી. અમે ખેડૂતોને કહ્યું કે ત્રણેય કાયદા રદબાતલ કરવાને બદલે કોઈ વિકલ્પ આપો, પરંતુ તેમણે કોઈ વિકલ્પ આપ્યા નથી. તેથી અમારી આજની બેઠક પૂરી કરી દેવાઈ. હવે અમે 15 જાન્યુઆરીએ ફરી મળીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]