અમને પણ કોરોના-યોદ્ધામાં ગણોઃ બેન્ક કર્મચારીઓની માગણી

ચેન્નાઈઃ ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ યુનિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે કોરોના વાઈરસની રસી આપવાની પ્રક્રિયામાં એમને પણ પ્રાથમિકતા આપો.

યુનિયનના મહામંત્રી વેંકટાચલમે પત્રમાં મોદીને વિનંતી કરી છે કે કોરોના રસીકરણ માટે નક્કી કરાયેલી પ્રાધાન્ય કેટેગરીમાં અન્ય કોવિડ-19 યોદ્ધાઓની સાથે બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓને પણ સામેલ કરવા જોઈએ, કારણ કે રોગચાળાના સમગ્ર કાળ દરમિયાન બેન્કકર્મીઓએ લોકોને સતત સેવા પૂરી પાડી છે. જ્યારે ટ્રેનો અને બસો દોડાવાતી નહોતી અને વિમાનોને ઉડાડવામાં આવતા નહોતા ત્યારે મહાનગરોથી લઈને નાના ગામડાઓમાં બેન્કોની શાખાઓ ખુલ્લી રહી હતી અને લોકોને સેવા પૂરી પાડવામાં આવી હતી. ઘણા બેન્ક કર્મચારીઓ, અધિકારીઓ ચેપનો શિકાર પણ બન્યા હતા અને ફરજ બજાવતી વખતે એમાના કેટલાકના જાન પણ ગયા છે.