નવી દિલ્હીઃ મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમણે આજે સવારે AIIMSમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને હાર્ટ અટેક આવ્યો હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી વેન્ટિલેટર પર હતા.
તેમને 10 ઓગસ્ટે વર્કઆઉટ કરતા સમયે હાર્ટ અટેક આવ્યો હતો અને તાત્કાલિક દિલ્હી AIIMSમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની ડોક્ટર્સે એન્જિયાપ્લાસ્ટી કરી હતી.કાનપુરનિવાસી રાજુ શ્રીવાસ્તવનું મૂળ નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું અને તેઓ ગજોધર ભૈયાને નામે લોકપ્રિય હતા. તેમનો જન્મ 25 ડિસેમ્બર, 1963એ થયો હતો.
તેમણે રાજકારણમાં પણ નસીબ અજમાવ્યું હતું. 2014ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેમને કાનપુર સીટથી ઉમેદવાર બનાવ્યા હતા, પણ તેમણે પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ તેમને ટેકો નથી આપતા એમ કહીને ટિકિટ પર આપી હતી. ત્યાર બાદ તેમણે ભાજપમાં જોડાયા હતા અને વડા પ્રધાન મોદીની સ્વચ્છતા ઝુંબેશના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા હતા.
તેઓ 1980ના દાયકામાં એન્ટરટેઇનમેન્ટમાં સક્તિય હતા. તેમણે 2005માં સ્ટેન્ડ-અપ કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની પહેલી સીઝનમાં ભાગ લીધો હતો, ત્યાર તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. તેમણે ‘મૈનેં પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’ (રિમેક) અને ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ હતા.