નકલી IAS અધિકારીએ 150 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી

લખનૌઃ શહેરમાંથી પોલીસે નકલી IAS અધિકારીની ધરપકડ કરી છે. આ આરોપીનું નામ ડો. વિવેક મિશ્રા છે, જેને કામતા બસ સ્ટેશન પરથી લખનૌ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેણે અત્યાર સુધીમાં 150થી વધુ લોકોને લગભગ 80 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. છેલ્લાં છ વર્ષથી CID તેની શોધમાં હતી અને હવે સફળતા મળી છે.

કરોડોની છેતરપિંડી?

પ્રાપ્ત માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના વકીલ આશુતોષ મિશ્રાએ વર્ષ 2019માં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે જૂન, 2018માં કેટલાંક સગાંઓ મારફતે તેમની મુલાકાત વિવેક સાથે થઈ હતી. તેણે પોતાને 2014 બેચનો IAS અધિકારી ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે ગુજરાત સરકારમાં મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. વિશ્વાસ જીતવા માટે તેણે પોતાની બહેનોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેની બહેનો ગુજરાતમાં IPS અધિકારી છે.

સોશિયલ મિડિયા બન્યું હથિયાર

લખનૌ પોલીસની તપાસ બાદ ખૂલ્યું હતું કે આરોપીએ સોશિયલ મિડિયા અને વોટ્સએપ પર પોતાની અનેક નકલી પ્રોફાઇલ બનાવી હતી. યુવતીઓને લગ્નનો પ્રસ્તાવ આપીને તે તેમના પરિવાર સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેણે ઘણી વાર હાલ સેવા આપતા IAS અને IPS અધિકારીઓનાં નામનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો.પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી?

હાલ લખનૌ પોલીસ આરોપીના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે અને તેના ડિજિટલ રેકોર્ડ્સને પણ શોધી રહી છે. આ કોઈ પહેલી વાર નથી જ્યારે આવી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ફક્ત રાજ્ય બદલાય છે, આરોપી અલગ હોય છે, પરંતુ ગુનો એ જ મોડસ ઓપરંડીથી અંજામ આપવામાં આવે છે. હાલના સમયમાં ફક્ત નકલી અધિકારી બનીને જ નહીં, પણ “ડિજિટલ અરેસ્ટ” જેવા નવા પ્રકારના ફ્રોડ પણ ઝડપથી વધી રહ્યા છે.