ગૌહાટીઃ ઉત્તર ભારતમાં એક બાજુ જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આસામમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહીં ભારે વરસાદને લીધે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવ્યાં છે. આટલું જ નહીં, પૂરની સાથે-સાથે કેટલાય વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે લોકોએ ઘણી હાડમારીઓ ભોગવવી પડી રહી છે. મોટા પાયે ભૂસ્ખલન અને વોટર લોગિંગને કારણે રાજ્યમાં રેલવે ટ્રેક, પૂલ અને રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી રાજ્યના અન્ય ભાગોથી રેલવે અને રસ્તાનો સંપર્ક તૂટી ગયો છે. કેટલાય કલાકો સુધી ટ્રેનો અટકી જવાને કારણે જિલ્લા વહીવટી મંડળ અને ભારતીય એરફોર્સની મદદથી 119 લોકોને બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આસામમાં પૂરને કારણે સાત જિલ્લાઓમાં આશરે 57,000 લોકોના જીવન પર અસર છે. આસામના 12 ગામોમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે.
સિલ્ચર-ગૌહાટી એક્સપ્રેસ ટ્રેન કછાર વિસ્તારમાં ફસાયેલી હતી. આ સાથે કછાર જિલ્લામાં એક બાળક સહિત ત્રણ લોકો રવિવારે લાપતા થયા છે. આ સાથે આસામના ડિઝેસ્ટર મેનેજમેન્ટે કહ્યું હતું કે ન્યુ કુંજુંગ, ફિંયાંગપુઈ, મૌલહોઈ, નામજુરંગ, દક્ષિણ બગેતાર, મહાદેવ ટિલ્લા સહિત અનેક જગ્યાએ ભૂસ્ખલનની સૂચના મળી હતી.
આ સાથે 22 ગામો પૂરથી પ્રભાવિત થયાં છે. આ પૂરને કારણે આશરે 10,321 હેક્ટર કૃષિની જમીન પૂરનાં પાણીમાં ડૂબેલી છે. આ પૂરને કારણે લોકો જ નહીં, પણ રાજ્યમાં હજારો પ્રાણીઓ પણ ખરાબ રીતે અસર થયાં છે. આ સાથે અત્યાર સુધી 200તી વધુ ઘરો અને વસતિઓને નુકસાનના અહેવાલ હતા.