જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યું એ જગ્યાને કોર્ટે સીલ કરાવી

વારાણસીઃ અહીંની સિવિલ અદાલતે આજે આદેશ આપ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વેક્ષણ દરમિયાન જે તળાવમાંથી શિવલિંગ મળી આવ્યું છે તેને કબજામાં લેવું, સીલ કરી દેવું. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં ત્રણ દિવસ સુધી વિડિયોગ્રાફી સર્વે કરવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. આજે તે કાર્ય પૂરું થયું છે. મંદિરની અંદર તથા આસપાસમાં સુરક્ષાના કડક બંદોબસ્ત અને નિયંત્રણો હેઠળ મસ્જિદ સંકુલની ફિલ્મ ઉતારવાનું કાર્ય આજે સવારે સમાપ્ત થયું હતું. કેસના હિન્દુ અરજદાર સોહનલાલ આર્યનો દાવો છે કે સમિતિને સંકુલની અંદર એક શિવલિંગ મળ્યું છે. આ નિર્ણાયક પુરાવો છે.

સંકુલની ફિલ્મ ઉતારવા સામે મસ્જિદના સત્તાધીશોએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ કોર્ટના આદેશાનુસાર સર્વેક્ષણ ચાલુ રખાયું હતું. સર્વેક્ષણના નિર્ણયને અલાહાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે ગઈ 21 એપ્રિલે તે અપીલને નકારી કાઢી હતી અને સર્વેક્ષણ હાથ ધરવા તેમજ વિડિયોગ્રાફી કરવા માટે એક કોર્ટ કમિશનરની નિમણૂક પણ કરી હતી. હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.