આપણે જીતીશું, કોંગ્રેસનો નવો ‘ઉદય’ થશેઃ સોનિયા ગાંધી

ઉદેપુરઃ કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે કોંગ્રેસની ચિંતન શિબિરમાં સમાપન સમારોહમાં કહ્યું હતું કે કોંગ્રેસ આંતરિક સુધારાને લાગુ કરવા માટે આગામી બે-ત્રણ દિવસોમાં એક ટાસ્ક ફોર્સની રચના કરશે, જે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું હતું કે આંતરિક સુધારા સંગઠનનાં બધાં પાસાને સામેલ કરશે, જેમાં પાર્ટીનાં પદો પર નિયુક્તિઓના નિયમો, સંદેશવ્યવહાર અને પ્રચાર સહિત નાણાકીય અને ચૂંટણીલક્ષી વહીવટ સામેલ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે જીતીશું, કોંગ્રેસનો નવો ‘ઉદય’ થશે.

આ સાથે તેમણે કહ્યું હતું કે આ વર્ષે ગાંધી જયંતીથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કાઢવામાં આવશે, જેમાં પાર્ટીના બધા સિનિયર નેતાઓ અને જવાનો સમેલ થશે. આ સિવાય તેમણે જિલ્લા સ્તરે જનજાગરણ ઝુંબેશ ચલાવવાની વાત કહી હતી. ઉદેપુરની ચિંતન શિબિરમાં લેવાયેલા નિર્ણયો પર ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

વળી, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી માટે ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. કોંગ્રેસનો નવો ઉદય થયો છે અને આ જ આપણો નવસંકલ્પ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોમાંથી એક સલાહકાર ગ્રુપ બનાવવાની જાહેરાત કરી હતી, જે રાજકીય મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવા માટે મારી અધ્યક્ષતામાં હવે નિયમિત રીતે મળશે, એમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતાઓના અનુભવનો લાભ લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે તેમણે પાર્ટીના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.