‘ગાયનું માંસ ખાનારાનું DNA અલગ’: સાધ્વી પ્રાચી

જયપુરઃ વિશ્વ હિન્દુ પરિષદનાં આક્રમક મિજાજવાળાં નેતા સાધ્વી પ્રાચીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના એ વિધાનને કડક રીતે પ્રતિસાદ આપ્યો છે. ભાગવતે એમ કહ્યું હતું કે, ‘બધાં ભારતીયોનું DNA સમાન છે, પછી એ કોઈ પણ ધર્મના હોય.’ પરંતુ સાધ્વી પ્રાચીએ કહ્યું છે કે ‘ગાયનું માંસ ખાનારાઓને બાદ કરતાં બાકી બધાયનું ડીએનએ સમાન છે.’

રાજસ્થાનના દૌસામાં આયોજિત એક સમારંભમાં સાધ્વી પ્રાચીએ કેન્દ્ર સરકારને વિનંતી પણ કરી હતી કે દેશમાં વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે તે કડક કાયદાઓ ઘડે. ટાઈમ્સ નાઉ વેબસાઈટે તેના અહેવાલમાં સાધ્વી પ્રાચીને એમ કહેતાં ટાંક્યા છે કે, ‘વસ્તી નિયંત્રણ વિશે સંસદમાં એક કાયદો પાસ કરવો જોઈએ અને જે દંપતીને બે કરતાં વધારે સંતાન હોય એમને સરકારી સુવિધાઓ આપવાનું બંધ કરવું જોઈએ. એમનો મતાધિકાર પણ રદ કરવો જોઈએ. તમને પત્નીઓ ભલે ગમે તેટલી હોય, પણ સંતાન માત્ર બે જ હોવા જોઈએ.’