LPG સિલિન્ડરોની ચોરી કરતી ટોળકી પકડાઈ

મુંબઈઃ પોલીસે શહેરમાં ત્રણ જણની એક ટોળકીને પકડી પાડી છે જે લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ના સિલિન્ડરો સાથેના એક ટેમ્પોની ચોરી કરી હતી અને સિલિન્ડરોને બાદમાં કાળા બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચી દીધા હતા. લોઅર પરેલ ઉપનગરની પોલીસે પકડેલા ગુનેગારોના નામ છેઃ પરશુરામ બિશ્નોઈ ઉર્ફે દારા ઉર્ફે સુનીલ (26), દિલીપ પાંડારે (33) અને અનિલ યાદવ (34). આ જ ટોળકીએ દક્ષિણ મુંબઈના તાડદેવ વિસ્તારમાં પણ ગેસ સિલિન્ડરો ભરેલા ટેમ્પોની ચોરી કરી હતી.

20 એલપીજી સિલિન્ડરો સાથેના ટેમ્પોની ચોરી થઈ હોવાની ફરિયાદ માંગીલાલ સિયાઝ નામના એક જણે નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીઓને માનખુર્દ, ચેંબૂર અને ઘાટકોપરમાં એમના ઘરમાંથી પકડવામાં આવ્યા હતા. આરોપીઓએ પોલીસને કહ્યું કે તેઓ ગેસ સિલિન્ડરો ભરેલા ટેમ્પોને ચોરી સિલિન્ડરોને ચેંબૂર અને ઘાટકોપરમાં લોકોને ઊંચા ભાવે વેચતા હતા અથવા એમના મિત્રોને ડિસ્કાઉન્ટમાં આપી દેતા હતા. આરોપીઓને પોલીસના ટેકનિકલ ઈન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજના આધારે પકડ્યા હતા. એમની પાસેથી 28 એલપીજી સિલિન્ડરો અને બે ચોરેલા ટેમ્પો જપ્ત કરવામાં આવ્યા છે.