ગુવાહાટીઃ ઈન્ડિગો એરલાઈનનું એક વિમાન આજે સવારે અહીંથી દિબ્રૂગઢ જવા માટે ઉપડ્યું હતું, પરંતુ એમાં કોઈક ટેકનિકલ ખામી ઊભી થતાં એને પાછું ગુવાહાટી તરફ વાળી દેવું પડ્યું હતું અને અહીંના એરપોર્ટ પર એને ઉતારી દેવું પડ્યું હતું. તે ફ્લાઈટમાં એક કેન્દ્રીય પ્રધાન અને આસામના બે વિધાનસભ્ય પણ પ્રવાસ કરી રહ્યા હતા.
150 પ્રવાસીઓ સાથેના તે વિમાનમાં કેન્દ્રના પેટ્રોલિયમ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન રામેશ્વર તેલી તેમજ આસામના શાસક ભાજપના બે વિધાનસભ્યો હતા – પ્રશાંત ફૂકન અને તેરાશ ગોવાલા. તેલી દિબ્રૂગઢના સંસદસભ્ય છે. એમણે બાદમાં સમાચાર સંસ્થાને કહ્યું હતું કે વિમાનનું ગુવાહાટી એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું એની 15-20 મિનિટ પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે વિમાનને ડાઈવર્ટ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં અમે ગભરાઈ ગયા હતા કે વિમાન શા માટે દિબ્રૂગઢ એરપોર્ટ પર ઉતરી શક્યું નથી અને ગુવાહાટી પાછું વાળવામાં આવી રહ્યું છે. બાદમાં પાઈલટે જાહેરાત કરી હતી કે વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામી ઊભી થઈ છે અને એ માટે તેને ઉતરવા માટે લાંબા રનવેની જરૂર છે, જે દિબ્રૂગઢ એરપોર્ટ નથી. ગુવાહાટી એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ અમને જણાવવામાં આવ્યું હતું કે તમામ પ્રવાસીઓ એમની સીટ પર જ બેઠા રહે, ટેકનિકલ ખામી દૂર કરવાના પ્રયત્નો ચાલુ છે. પરંતુ બે કલાક પછી જાહેરાત કરાઈ હતી કે ફ્લાઈટ ટેકઓફ્ફ કરી શકે એમ નથી તેથી રદ કરવામાં આવી છે. મારે ત્રણ મીટિંગમાં હાજરી આપવાની હતી, પરંતુ ફ્લાઈટ રદ થતાં જઈ શક્યો નહોતો. મેં ઈન્ડિગોના સત્તાવાળાઓને વિનંતી કરી હતી કે કોલકાતાથી આવનાર કોઈ વૈકલ્પિક ફ્લાઈટમાં ગોઠવણ કરી દેવામાં આવે, પરંતુ એમણે તેવી ગોઠવણ કરી આપી નહોતી. હું એવિએશન પ્રધાનને આ વિશે ફરિયાદ કરીશ.