રાજસ્થાનમાં મફત યોજનાને લીધે કંગાળ થતી વીજ કંપનીઓ

જયપુરઃ રાજસ્થાનમાં વીજ કંપનીઓ કંગાળ થવાને આરે પહોંચી ચૂકી છે. રાજકીય પક્ષોની મફત વીજળી આપવાનાં વચનોને લીધે વીજ કંપનીઓ રેકોર્ડ નુકસાન તરફ વધી રહી છે. રાજસ્થાનમાં ચૂંટણી વર્ષમાં ગહેલોત સરકાર તરફથી ઘરેલુ ઉપભોક્તાઓને પ્રતિ મહિને 200 યુનિટ અને ખેડૂતોને પ્રતિ મહિને 2000 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે. જોકે સામાન્ય જનતા એ વાતને લઈને સંશયમાં છે કે નવી સરકાર આવ્યા પછી કોંગ્રેસ હોય કે ભાજપ એને મફત વીજળીની સવલત ચાલુ રહેશે કે કેમ?

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે અને ત્રીજી ડિસેમ્બરે પરિણામ છે. લોકો હવે મતગણતરી પછી રાજસ્થાનમાં કોનું રાજ આવશે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ રાજ્યમાં એ વાતે ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ કે ભાજપની સરકાર આ મફત વીજ યોજના ચાલુ રાખશે કે બંધ કરી દેશે?વીજ કંપનીઓના સૂત્રો અનુસાર સરકારની સબસિડીને કારણે રૂ. 15,180 કરોડથી વધુનો નાણાકીય ભાર ડિસ્કોમ પર આવી ચૂક્યો છે. વીજ કંપનીઓ પહેલેથી આશરે રૂ. 1.20 લાખ કરોડથી વધુની ખોટમાં ચાલી રહી છે. સબસિડીના ખર્ચા માટે વીજ કંપનીઓને બેન્કોથી પ્રતિ વર્ષ રૂ. 60,000 કરોડની લોન લેવી પડે છે. એનું વાર્ષિક વ્યાજ રૂ. 6500 કરોડથી વધુ થાય છે. વીજ કંપનીઓનો કોઈ પણ પ્રતિનિધિ આ મુદ્દે કંઈ પણ કહેવા તૈયાર નથી, પણ તેઓ દબાયેલા સ્વરે એમ કહેવાથી નથી ચૂકતા કે નવી સરકારથી માર્ગદર્શન માગીને સતત થઈ રહેલી ખોટની માહિતી આપવામાં આવશે.