ચૂંટણીનાં પરિણામો મોદી યુગ પૂરો થયાનો સંદેશ આપશેઃ શરદ પવાર

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં દાયકાઓથી પગદંડો જમાવી ચૂકેલા NCP-SPના અધ્યક્ષ શરદ પવારે વિધાનસભાની ચૂંટણીમાં નાસિકમાં કહ્યું હતું કે મોદી યુગ હવે પૂરો થશે અને આ ચૂંટણીનાં પરિણામો એક નવો મોટો સંદેશ આપશે. તેમણે PM મોદીના પ્રહારો પોતાના માટે લાભ હોવાનો કટાક્ષ કરતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણીના પિરણામો મોદી યુગ પૂરો થવાનો સંદેશ આપશે.

તેમણે MVAમાં CM પદ માટે કોઈ પાર્ટીની તરફથી કોઈ દાવેદારી નથી એમ જણાવતાં કહ્યું હતું કે રાજ્યની જનતા નક્કી કરશે કે કોને CM બનાવવાના છે. ચૂંટણી પરિણામો પછી કોંગ્રેસ, NCP-SP અને શિવસેના UBT –અમે ત્રણે પાર્ટી CM નક્કી કરીશું.અમારી વચ્ચે કોઈ અણબનાવ નથી, એવી વાતો અમારા વિરોધીઓ ફેલાવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી હવે લગભગ છેલ્લા ચરણમાં છે, ત્યારે શરદ પવારે મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. શરદ પવારે પુણેની બે બેઠક પર અજિત પવારના સહયોગીને સામેલ કરી દીધા છે તો એક બેઠક પર ભાજપના મોટા નેતાને પોતાના પક્ષમાં સામેલ કરી દીધા છે. જે બેઠક પર અજિત પવાર અને ભાજપ પોતાને મજબૂત માનીને ચાલી રહ્યા હતા, ત્યાં જ શરદ પવારે દાવ રમી નાખ્યો છે. અજિત પવારના સાથી સુનીલ તટકરેના નજીકના અને પીએમસી બેન્કના પદાધિકારી પણ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.

મહાયુતિને મળશે ઝટકો?

શરદ પવારે આજે પુણે અને રાયગઢમાં ઘણા નેતાઓની પાર્ટીમાં એન્ટ્રી કરાવી હતી. જેનાથી મહાયુતિને ઝટકો મળવાની આશંકા છે. વડગાંવ શેરી મતવિસ્તારમાંથી પૂર્વ એનસીપી નગરસેવક રેખા ટિંગરે અને ચંદ્રકાંત ટિંગરેએ એનસીપી-એસપીમાં જોડાઈ ગયાં છે. આ સિવાય દિલીપ તુપે અને અનિલ તુપે પણ પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ લોકોની પુણેની હડપસર બેઠક પર અસર માનવામાં આવે છે. આ સિવાય ધનકવાડીના સમીર ધનકવાડે પણ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.