ચૂંટણી પંચનો પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ

નવી દિલ્હીઃ વર્ષ 2021 રાજકીય રીતે ચૂંટણીનું વર્ષ રહેવાનું છે. આવનારા કેટલાક મહિનામાં દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે. મુખ્ય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું કે પાંચ રાજ્યોમાં 824 વિધાનસભાની બેઠકોની ચૂંટણી પર મતદાન યોજાશે. આ ચૂંટણી માટે 2.7 લાખ મતદાન કેન્દ્રો હશે. પશ્ચિમ બંગાળમાં એક લાખથી વધુ મતદાન કેન્દ્રો ઊભાં કરવામાં આવશે. આ વખતે કુલ 18.68 કરોડ મતદાતાઓ મતદાન કરશે. આ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોની મતગણતરીએ બીજી મેએ એકસાથે કરવામાં આવશે.

આ વખતે કોરોના કાળને લીધે મતદાનનો સમય એક કલાક વધુ રહેશે. કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીમાં સામેલ બધા અધિકારીઓનું રસીકરણ કરવામાં આવશે. આ ચૂંટણીમાં પર્યાપ્ત સંખ્યામાં CRPFની તહેનાતી કરવામાં આવશે. પાંચ રાજ્યોમાં મતદાન કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે.  આ ચૂંટણીમાં મતદાન સીસીટીવીની નિગરાનીમાં કરવામાં આવશે. મતદાન કેન્દ્રો પર માસ્ક, સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ રહેશે. ઓનલાઇન વોટર આઇડી કાઢી શકાશે. આ પાંચ રાજ્યોમાં ચૂંટણી વિવિધ તબક્કાઓમાં યોજવામાં આવશે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં આસામમાં 126 બેઠકો પર ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. બીજી માર્ચે 27 માર્ચે પહેલા તબક્કાનું મતદાન, બીજા તબક્કાનું મતદાન એક એપ્રિલે યોજાશે અને ત્રીજા તબક્કાનું મતદાન છઠ્ઠી એપ્રિલે યોજાશે.

કેરળમાં 140 બેઠકો પર એક તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે, જેમાં છઠ્ઠી એપ્રિલે મતદાન યોજવામાં આવશે.

તામિલનાડુમાં 234 બેઠકોની ચૂંટણી એક તબક્કામાં યોજવામાં આવશે, જેમાં છઠ્ઠી એપ્રિલે મતદાન યોજવામાં આવશે.

પુડુચેરીમાં 30 બેઠકો પર એક તબક્કામાં મતદાન યોજવામાં આવશે, જેમાં છઠ્ઠી એપ્રિલે મતદાન યોજવામાં આવશે.

પશ્ચિંમ બંગાળમાં 294 બેઠકો પર આઠ તબક્કામાં મતદાન યોજવામાં આવશે. પહેલા તબક્કાનું મતદાન 27 માર્ચે, બીજા તબક્કાનું મતદાન એક એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન છઠ્ઠી એપ્રિલે, ચોથા તબક્કાનું મતદાન 10 એપ્રિલ, પાંચમા તબક્કાનું મતદાન 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું મતદાન 22 એપ્રિલ, સાતમા તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમા તબક્કાનું મતદાન 29 એપ્રિલે મતદાન યોજવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે કોરોના યોદ્ધાઓને સલામ. મતદાતાઓની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. ચાર રાજ્યોમાં મે-જૂનમાં વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આ ચૂંટણીમાં ઉમેદવાર માટે નામાંકન ઓનલાઇનની સુવિધા કરવામાં આવી છે અને એ ડિપોઝિટના નાણાં ઓનલાઇન જમા કરાવી શકાશે.

પાંચ રાજ્યો- તામિલનાડુની 234, કેરળની 140, પશ્ચિમ બંગાળમાં 294, આસામની 126 અને પુડુચેરીની 30 વિધાનસભાની બેઠકો પર ચૂંટણી થવાની છે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]